गुजरात

શહેરા-લુણાવાડા હાઈવે પર અકસ્માત: એસટી સાથે ટક્કર બાદ ટેમ્પોના બે ટુકડા, મુસાફરોમાં ચીસાચીસ | Panchmahal News Shehera Lunawada highway Accident between ST bus and tempo


Panchmahal News: શહેરા-લુણાવાડા હાઈવે પર હોસેલાવ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મોડાસાથી સુરત જઈ રહેલી એસટી બસ અને પિકઅપ ટેમ્પો વચ્ચે થયેલી આ ટક્કરમાં ટેમ્પોના બે કટકા થઈ ગયા હતા. સદ્દનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જ્યારે ટેમ્પો ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, મોડાસા ડેપોની એસટી બસ (મોડાસા-સુરત રૂટ) હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક પિકઅપ ટેમ્પોના ચાલકે પૂરપાટ ઝડપે બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક કરતી વખતે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો સીધો એસટી બસના આગળના ભાગે અથડાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પો રોડ સાઈડની રેલિંગ તોડીને અંદર ઘુસી ગયો હતો. અથડામણની પ્રચંડતાને કારણે ટેમ્પોનું એન્જિન અને પાછળનું કેરિયર (બોડી) બંને છૂટા પડીને રસ્તા પર ફંગોળાયા હતા.

શહેરા-લુણાવાડા હાઈવે પર અકસ્માત: એસટી સાથે ટક્કર બાદ ટેમ્પોના બે ટુકડા, મુસાફરોમાં ચીસાચીસ 2 - image

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

અકસ્માત સમયે એસટી બસમાં સવાર મુસાફરોમાં ભારે ફાળ પડી હતી. જોરદાર ધડાકા સાથે થયેલા અકસ્માતને પગલે બસમાં ચીસાચીસ અને બુમરાણ મચી ગઈ હતી. જોકે, બસ ચાલકની સતર્કતા અને નસીબજોગે બસ પલટી ન ખાતા મોટી જાનહાનિ ટળી હતી. તે સમયે હાઈવેની બીજી લેન પર અન્ય કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી હોનારત બનતા રહી ગઈ હતી.

ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ટેમ્પો ચાલક ડભોઈથી રાજસ્થાનના પીટ સીમલ ખાતે તિજોરી-કબાટ ખાલી કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. ટેમ્પોના ફુરચા બોલી જતાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર રિક્ષા ચાલક દંપતીને કાળ ભરખી ગયો! પીકઅપ વાને પાછળથી ટક્કર મારતા બંનેના મોત

ટ્રાફિક જામના દ્રશ્યો

અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને ક્રેઈન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button