સાવધાન: પતંગ ચગાવતા પહેલા આટલું ખાસ વાંચી લો, તમારી એક ભૂલ ભારે પડી શકે છે | Uttarayan Safety Alert: Read These Rules Before Flying Kites to Avoid Accidents

Uttarayan Safety Alert: ઉત્તરાયણનો તહેવાર હવે ગણતરીના કલાકોમાં જ શરૂ થઈ રહ્યો છે, ત્યારે પતંગરસિયા માટે સુરક્ષાના નિયમો જાણવા અત્યંત જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને GSDMA દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર, આ વર્ષે ઉત્તરાયણમાં જાન-માલનું નુકસાન ટાળવા માટે ખાસ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.

ઉત્તરાયણ પર તમારી સુરક્ષા માટે આ નિયમોનું પાલન કરો
શહેરમાં ઠેર-ઠેર 10,000 જેટલા જાગૃતિ પોસ્ટરો લગાવીને નાગરિકોને શું કરવું અને શું ન કરવું તેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.
• પક્ષીઓના રક્ષણ માટે વહેલી સવારે 6 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા વિનંતી છે. આ સમયે પક્ષીઓની અવરજવર વધુ હોય છે.
• જીવલેણ ચાઈનીઝ દોરી કે કાચ પામેલા સિન્થેટિક માંજાનો ઉપયોગ ટાળવો. તે પક્ષીઓ અને ટુ-વ્હીલર ચાલકો માટે મોતનો ફાંસો સાબિત થઈ શકે છે.
• જર્જરિત મકાનો કે સુરક્ષા દીવાલ (પેરાપેટ) વગરની જોખમી છતો પર પતંગ ન ઉડાવો. બને ત્યાં સુધી ખુલ્લા મેદાનનો ઉપયોગ કરવો હિતાવહ છે.
• પતંગ ઉડાવતી વખતે કે અગાસી પર બાળકો પર સતત દેખરેખ રાખવી.
• રસ્તા પર દોડીને કે વાહનોની વચ્ચે પતંગ પકડવાના પ્રયાસો અકસ્માતને નોતરે છે.
• ગળામાં સ્કાર્ફ બાંધવો અથવા વાહન પર ગાર્ડ લગાવવું જેથી દોરીથી ગળું ન કપાય.
• તમારી સાથે અગાસી પર હંમેશા એક ‘ફર્સ્ટ એડ કીટ’ તૈયાર રાખો.

ઈમરજન્સી સમયે ક્યાં સંપર્ક કરવો?
જો ઉત્તરાયણ દરમિયાન કોઈ દુર્ઘટના બને અથવા કોઈ પક્ષી ઈજાગ્રસ્ત થાય, તો સમય બગાડ્યા વગર 112/108 અને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર (કરુણા અભિયાન) 1962 નંબરો પર કોલ કરવો.
જાગૃતિ અભિયાનની વ્યાપકતા
શહેરના તમામ ફાયર સ્ટેશન, સિવિલ ડિફેન્સ, સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં આ સુરક્ષા સ્ટીકરો લગાડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડ પણ એલર્ટ મોડ પર છે. તંત્રનો ઉદ્દેશ્ય છે કે લોકો આનંદ સાથે તહેવાર ઉજવે પરંતુ કોઈના જીવ પર જોખમ ન આવે.



