Explainer: મુંબઈ ગુજરાતને સોંપવાની તૈયારી, BMC ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓએ આલાપ્યો દાયકાઓ જૂનો રાગ | Mumbai to Gujarat Why Thackeray Brothers Revived the Old Political Narrative Before BMC Polls

BMC Elections: બૃહદ મુંબઈ મહા નગરપાલિકા (BMC)ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઠાકરે બંધુઓએ મરાઠી અસ્મિતાના નામે ફરી એકવાર રાજકીય મોરચો ખોલ્યો છે. લગભગ બે દાયકા પછી યોજાયેલી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની પ્રથમ સંયુક્ત રેલીમાં એ જ સૂર સાંભળવા મળ્યો કે, ‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરીને ગુજરાતને સોંપવાનું કાવતરું થઈ રહ્યું છે.’
મુંબઈની ઓળખ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે: રાજ ઠાકરે
મુંબઈમાં રવિવારે રાત્રે યોજાયેલી રેલીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ આક્રમક અંદામાં કહ્યું કે, ‘મુંબઈને મહારાષ્ટ્ર પાસેથી આંચકી લેવાની યોજના વર્ષો જૂની છે. આ માટે પૈસાનો ઉપયોગ થઈ રહ્યો છે, જમીનો ખરીદાઈ રહી છે અને બહારના લોકોને અહીં વસાવીને તેમના પ્રતિનિધિઓ ચૂંટવામાં આવી રહ્યા છે. જમીન અને ભાષા એ જ તમારી ઓળખ છે, જો એ જશે તો મરાઠી માણસનું અસ્તિત્વ ખતમ થઈ જશે. આ મરાઠી માણસના અસ્તિત્વની છેલ્લી લડાઈ છે.’
વિકાસના નામે ‘ગુજરાત કનેક્શન’ વધાર્યાનો ઉદ્ધવ ઠાકરેનો આક્ષેપ
હાલમાં જ ઉદ્ધવ ઠાકરેએ ભાજપના ‘ગુજરાતી નેતૃત્વ’ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ‘વર્ષ 2012માં બાળાસાહેબના નિધન પછી, ભાજપનું ટોચનું નેતૃત્વ, જે મોટા ભાગે ગુજરાતી છે, તેઓ મુંબઈ પર દાવો કરવા માંગે છે. ભાજપ અદાણી અને ઉદ્યોગપતિઓને મુંબઈ ગીરો મૂકવા માંગે છે. શિવસેનાએ 25 વર્ષ મુંબઈનું રક્ષણ કર્યું છે, પણ હવે ભાજપ તેને લૂંટવા બેઠું છે.’
જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે મુંબઈમાં દાયકાઓથી રહેતા ગુજરાતીઓને આ રાજકીય કાવાદાવા સાથે કોઈ લેવાદેવા નથી. ઠાકરે જૂથનો એવો પણ આક્ષેપ છે કે બુલેટ ટ્રેન, વધાવણ પોર્ટ અને અદાણીના પ્રોજેક્ટ્સ દ્વારા મુંબઈને આર્થિક રીતે ગુજરાત સાથે સાંકળવાની તૈયારી છે.
જલેબી-ફાફડાનો નારો યાદ છે ને?: ભાજપનો જવાબ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ આક્ષેપોને ‘ફેક નેરેટિવ’ (ખોટો રાજકીય પ્રચાર) ગણાવતા કહ્યું કે, ઠાકરે બંધુઓ પાસે કોઈ મુદ્દા નથી એટલે આ વિભાજનકારી વાતો કરી રહ્યા છે. 2014 અને 2019માં ઉદ્ધવ ઠાકરેએ ગુજરાતી મતો માટે ‘જલેબી ફાફડા, ઠાકરે આપડા’ જેવા નારા લગાવ્યા હતા. મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે કહ્યું કે, ભાજપે હવે મરાઠી મતોમાં પણ ગાબડું પાડ્યું છે એટલે ઠાકરે બંધુઓ અસુરક્ષા અનુભવી રહ્યા છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ઠાકરે બંધુઓના પ્રચારને વખોડી કાઢ્યો છે. તેમણે કહ્યું છે કે, ‘મુંબઈ કોઈ રેલવેનો ડબ્બો નથી કે કાપીને ગુજરાતને જોડી શકાય.’

જૂના ઘા તાજા કરીને મતદારોને ભાવુક કરવાનો પ્રયાસ
આ વિવાદ નવો નથી. 1940 અને 1950ના દાયકામાં ભાષાવાર રાજ્યોની માંગ ઉઠી હતી. મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની બનાવવા માટે 1950ના દાયકામાં ‘સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ’ થઈ હતી. એ વખતે બોમ્બે સિટીઝન કમિટીના જે. પી. ટાટા અને કપાસના વેપારી સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસના નેતૃત્વમાં મોટા ઉદ્યોગપતિઓએ માંગ કરી હતી કે મુંબઈ મહારાષ્ટ્રનો ભાગ ન હોવું જોઈએ. તેમનો તર્ક હતો કે મુંબઈ એક વૈશ્વિક શહેર છે અને તેનો આર્થિક પ્રભાવ કોઈ એક ભાષાકીય જૂથ પાસે ન રહેવો જોઈએ. જો કે, સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનમાં કોંગ્રેસ, સમાજવાદીઓ, સામ્યવાદીઓ અને દલિત નેતાઓએ સાથે મળીને મુંબઈ માટે લડત આપી. અંતે 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રની રચના થઈ અને મુંબઈ શહેર તેની રાજધાની બન્યું. 105 લોકોના મૃત્યુ પછી મહારાષ્ટ્રને મુંબઈ મળ્યું હતું. ઠાકરે પરિવાર અત્યારે એ જ જૂના જખમોને ફરી યાદ કરાવીને મતદારોને ભાવુક કરી રહ્યો છે.
ઠાકરે પરિવાર માટે આ ‘હથિયાર’ કેમ?
શિવસેનાની સ્થાપના 1966માં થઈ હતી, પરંતુ બાળાસાહેબના પિતા પ્રબોધનકાર ઠાકરેએ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળમાં મોટી ભૂમિકા ભજવી હતી. 1985માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી વસંતદાદા પાટીલે કહ્યું હતું કે ‘મુંબઈ મહારાષ્ટ્રમાં હોઈ શકે છે, પણ મુંબઈમાં મહારાષ્ટ્ર દેખાતું નથી.’ ત્યારે શિવસેનાએ આ નિવેદન મુદ્દો બનાવીને મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણી જીતી હતી.
હવે 15 જાન્યુઆરીએ યોજાનારી બૃહદ મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણી માત્ર સત્તાની લડાઈ નથી, પણ ‘મરાઠી માનૂસ’ને શું જોઈએ છે, તેનો પણ ફેંસલો છે. આ સ્થિતિમાં ઠાકરે બંધુઓ મરાઠી અસ્મિતા અને ‘મુંબઈ જતું રહેશે’ એવો ડર બતાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે, મહારાષ્ટ્રમાં રાજકીય દબદબો ગુમાવ્યા બાદ ઠાકરે બંધુઓ આ જૂની ‘ફોલ્ટ લાઇન’ એટલે કે વિવાદની રેખા પર સવાર થઈને રાજકીય પુનર્જીવન ઈચ્છી રહ્યા છે.



