गुजरात

સાવધાન: દાગીના ચમકાવવાના બહાને આવતા ‘ગઠિયાઓ’થી છેતરાતા નહીં, બોડેલીમાં નિવૃત શિક્ષક દંપતીને લાગ્યો 3 તોલાનો ચૂનો | Gold Polishing Scam Alert: Retired Teacher Couple Duped of 3 Tola Gold in Chhota Udepur



Gold Polishing Scam Alert in Chhota Udepur: વધતી જતી ટેકનોલોજી વચ્ચે પણ છેતરપિંડીની જૂની પદ્ધતિઓ આજે પણ કારગત નીવડી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં દાગીના ચમકાવવાના બહાને એક વૃદ્ધ દંપતીની નજર સામે જ સોનાના દાગીના ગાયબ કરી દેવાની ઘટના સામે આવી છે.

શું છે સમગ્ર ઘટના?

બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગંગા નગરમાં રહેતા નિવૃત શિક્ષક દંપતી છેતરપિંડીનો ભોગ બન્યા છે. વૃદ્ધ દંપતીને ઘરે એકલા જોઈને ઠગ ટોળકીનો એક ગઠિયો તેમના ઘરે પહોંચ્યો હતો. વિશ્વાસ જીતવા માટે તેણે સૌ પ્રથમ તાંબાનો લોટો અને ઝાંઝર ચમકાવી બતાવ્યા હતા. જ્યારે દંપતીને તેની વાત પર ભરોસો બેઠો, ત્યારે તેણે સોનાની બંગડીઓ સાફ કરવાની ઓફર કરી હતી. ભોગ બનનારના પુત્ર નિમેષ પટેલના જણાવ્યા અનુસાર, ગઠિયાએ એક વાટકીમાં હળદર જેવું દ્રાવણ બનાવી તેમાં ત્રણ તોલા સોનાની બંગડીઓ મુકાવી હતી. નજર ચૂકવીને આ ગઠિયો દાગીના ચોરીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. હાલ બોડેલી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: સુરત સિવિલની ઘોર બેદરકારી: વૃદ્ધનું મોતિયાનું ઓપરેશન કર્યું પણ લેન્સ નાખવાનું જ ભૂલી ગયા! તપાસમાં ભાંડો ફૂટ્યો

વારંવાર અપીલ છતાં લોકો કેમ ફસાય છે?

ખાસ વાત તો એ છે કે, આ પ્રકારની મોડસ ઓપરેન્ડીના કિસ્સાઓ અવારનવાર સમાચાર માધ્યમોમાં ચમકતા રહે છે. પોલીસ દ્વારા પણ વારંવાર સૂચના આપવામાં આવે છે કે અજાણ્યા વ્યક્તિ પાસે દાગીના સાફ ન કરાવવા, છતાં લોકો આવા લેભાગુ તત્વોની માયાજાળમાં ફસાઈ જાય છે. ગઠિયાઓ ખાસ કરીને વૃદ્ધોને નિશાન બનાવે છે જેઓ ઘરે એકલા હોય છે.

આવા ફ્રોડથી બચવા માટે આટલું ખાસ કરો

•ઘરે આવીને દાગીના કે વાસણ ચમકાવવાની વાત કરતા વ્યક્તિને ક્યારેય ઘરમાં પ્રવેશવા ન દેવો.

•સોનાના દાગીના સાફ કરવા માટે કોઈ જાદુઈ પાવડર હોતો નથી, તે કેમિકલથી સાફ થાય છે જેમાં સોનું ઓગળવાનું જોખમ રહેલું છે.

•ગઠિયાઓ વાતોમાં પરોવીને તમારી નજર સામે જ દાગીના બદલી નાખે છે અથવા દ્રાવણમાં ઓગાળી દે છે, માટે આવી પ્રક્રિયા ઘરે ક્યારેય ન કરવી.

•સોસાયટીમાં કે ઘરની બહાર કોઈ શંકાસ્પદ ફેરિયા કે વ્યક્તિ ફરે તો તાત્કાલિક પડોશીઓને જાણ કરો.

•જો કોઈ વ્યક્તિ આવી લાલચ આપે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જેથી બીજા કોઈ ભોગ ન બને.



Source link

Related Articles

Back to top button