ભાજપના નેતાઓ પાસે રીબીન કાપવાનો સમય નથી : કતારગામ ઓડિટોરિયમની જેમ ગોટાલાવાડી પ્રોજેક્ટ માટે પણ જોવાતી લોકાર્પણની રાહ | BJP leaders don’t have time to cut the ribbon: Gotalawadi project awaits inauguration

![]()
image : Filephoto
Surat Corporation : સુરત પાલિકામાં વિકાસના અનેક કામ તૈયાર થઈ ગયા છે વિકાસ તૈયાર છે પરંતુ લોકાર્પણ માટે મુર્હુતનું વિધ્ન આવી રહ્યું છે. સુરત કતારગામ ગોટાલાવાડી 1300 પરિવારો ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પુરો થયો છે અને ઘરની ચાવી માટે તડપી રહ્યાં છે તો બીજી તરફ ભાજપના નેતાઓ પાસે રીબન કાપવા માટે સમય નથી. આવી જ રીતે નવીન ફ્લોરીન પાસે ફ્લાય ઓર બ્રિજ, કતારગામ ઓડીટોરીયમ, ગજેરા સર્કલ બ્રિજ તૈયાર છે પરંતુ હાલ કમુરતા ચાલી રહ્યાં છે તેથી મકરસંક્રાંતિ બાદ ભાજપ શાસકોને મુર્હુત મળશે અને સુરતીઓને વિકાસના પ્રોજેકટનો ઉપયોગ કરવા મળશે.
સુરત પાલિકાના ભાજપ શાસકોએ મોટા ઉપાડે 15 ડિસેમ્બર પહેલા જ કેટલાક પ્રોજેક્ટ પુરા થઈ જશે અને લોકો માટે ખુલ્લા મુકાશે તેવા પ્રકારની જાહેરાત કરી હતી. પરંતુ કોન્ટ્રાકટરની નબળી કામગીરી તથા પાલિકાના નબળા સુપરવિઝનના કારણે શાસકોએ જે વાયદો કર્યો હતો તે પૂરો કરી શકાયો નથી. સુરત પાલિકાના કતારગામ ઝોનમાં છેલ્લા પાંચ વર્ષથી વિવિધ કારણોસર વિલંબિત ગોટાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. 1300 પરિવારો માટે રી-ડેવલપમેન્ટ સ્કીમ માટે આવાસ તૈયાર થઈ ગયા છે અને મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા પ્રોજેકટના ઉપયોગ અંગે બીયુસી પણ ઇશ્યુ કરી દેવામાં આવ્યું છે.જોકે, હજુ સુધી આ લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જોકે, ઉતરાયણ બાદ કમુરતા પુરા થશે ત્યાર બાદ આ પ્રોજેક્ટ માટે લોકાપર્ણ કરાશે જેના કારણે પાંચ વર્ષ કરતા વધુ સમયથી 1300 પરિવારો પોતાના ઘરની રાહ જોઈ રહ્યા હતા તેમને પોતાનું ઘર મળી શકશે.
આવી જ રીતે ગજેરા સર્કલ જંકશન પર નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજ પૈકી કાંસાનગરથી અમરોલી તરફ જતા બ્રિજના રેમ્પ તૈયાર છે પરંતુ હજી સુધી લોકાર્પણ કરાયું નથી. પહેલા 15 ડિસેમ્બર અને ત્યાર બાદ 7 જાન્યુઆરી તારીખ જાહેર કરવામાં આવી હતી પરંતુ હજી લોકાર્પણ કરાયું નથી. ઉપરાંત સુરત-નવસારી રોડ પર નવીન ફ્લોરીન ગાર્ડન પાસે સુરત-નવસારી રોડને ક્રોસ કરતા નવો ફ્લાયઓવર બ્રિજ પણ બનીને તૈયાર છે. તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. હવે ઉતરાયણ બાદ કમુરતા પુરા થતાં જ સુરતમાં લોકાર્પણની મોસમ આવશે. જોકે, પ્રોજેક્ટ તૈયાર થયા હોવા છતાં શાસકો પાસે રીબીન કાપવા કોઈ નેતા ન હોવાથી થોડા સમય માટે લોકો આ લોકાર્પણથી વંચિત રહ્યાં છે તે હકીકત છે.



