વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ | telangana 10 salary cut for employees who fail to take care of their parents

![]()
Telangana Government: તેલંગાણા સરકાર વૃદ્ધ માતા-પિતાના પક્ષમાં એક મહત્ત્વનો કાયદો લાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ વૃદ્ધ માતા-પિતાને તરછોડતા સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મુકવામાં આવશે. તેલંગાણા સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે જે હેઠળ એવા સરકારી કર્મચારીઓના પગારમાંથી 10 ટકા કાપ મૂકવામાં આવશે જેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નથી રાખતા. આ પૈસા માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ સોમવારે કહ્યું કે, વૃદ્ધ માતા-પિતા દ્વારા તેમના પુત્રો સામે કરવામાં આવેલી ફરિયાદોને ગંભીરતાથી લેવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પગારના 10 ટકા સીધા તેમના માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે.
કેટલાક વૃદ્ધ માતા-પિતાને તેમના બાળકો દ્વારા અવગણવામાં આવી રહ્યા છે
સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે, ‘કેટલાક વૃદ્ધ માતા-પિતાને તેમના બાળકો દ્વારા અવગણવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં એક એવો કાયદો રજૂ કરશે, જે હેઠળ માતા-પિતાને તરછોડતા સરકારી કર્મચારીના પગારમાંથી 10-15 ટકા કાપ મુકવામાં આવશે. આ પૈસા સીધા તેમના માતા-પિતાના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.’
વડીલો ગૌરવ સાથે જીવન જીવી શકે તે માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ‘જે લોકો પોતાના માતા-પિતાનું ધ્યાન નથી રાખતા તે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા. આપણા વડીલો ગૌરવ સાથે જીવન જીવી શકે એ માટે આ માનવતાવાદી પગલું ભરવામાં આવી રહ્યું છે.’
વરિષ્ઠ નાગરિકો માટે ‘પ્રણામ’ ડે-કેર સેન્ટરો બનાવાશે
તેમણે દિવ્યાંગ વ્યક્તિઓને રેટ્રોફિટેડ મોટરાઇઝ્ડ વાહનો, બેટરી સંચાલિત ટ્રાઇસાઇકલ, બેટરી સંચાલિત વ્હીલચેર, લેપટોપ, સાંભળવાનું મશીન, મોબાઇલ ફોન અને અન્ય આધુનિક સાધનોનું મફત વિતરણ શરૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. સરકારે આ નવી યોજના માટે 50 કરોડ ફાળવ્યા છે. સરકાર શહેરમાં વરિષ્ઠ નાગરિકો માટે ‘પ્રણામ’ ડે-કેર સેન્ટરો પણ સ્થાપી રહી છે. તેમણે એવી પણ જાહેરાત કરી છે કે, 2026-2027ના બજેટ પ્રસ્તાવોમાં એક નવી આરોગ્ય નીતિ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: કૂતરું કરડે તો સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે મોટી જાહેરાત
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, સરકાર રાજ્યના બધાને સારી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને તેથી સરકારે આગામી બજેટમાં નવી આરોગ્ય નીતિ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે એવી પણ જાહેરાત કે આગામી ચૂંટણીઓમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને કો-ઓપ્શન સભ્યો તરીકે નોમિનેટ કરવામાં આવશે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે એક કો-ઓપ્શન સભ્ય પદ ફાળવવામાં આવશે. તેનાથી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પોતાની સમસ્યાઓ ઉઠાવવામાં મદદ મળશે.



