गुजरात

ઉતરસંડા વિસ્તારમાં સરકારી જમીન આશ્રમ સંચાલકોએ પચાવી પાડતા સ્થાનિકોમાં રોષ | Locals angry over government land being grabbed by ashram managers



– આંગણવાડી બનાવવા માટે જમીન ફાળવાઈ હતી

– કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ શરૂ કરાતા વિક્ષેપ ઉભો કર્યાનો આક્ષેપ, કલેક્ટરને આવેદન આપી પગલાં ભરવા માંગણી

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના ઉતરસંડા અને ફતેપુરા સીમ વિસ્તારમાં રક્ષેશ્વર મહાદેવ મંદિરમાં એક મહારાજ દ્વારા ગેરકાયદેસર આશ્રમ ઉભો કરી કુદરતી વહેળો બંધ કરી દેવાતા અને બાળકો માટે મંજૂર થયેલી આંગણવાડીનું બાંધકામ અટકાવી દેવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ કલેક્ટરની આવેદન આપ્યું છે. તેમજ જો તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકાના ઉતરસંડા વિસ્તારમાં વિકાસ કામોમાં અડચણરૂપ બનતા અને ધર્મના નામે સરકારી જમીનો પર દબાણ કરતા તત્વો સામે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. નડિયાદ મહાનગરપાલિકાના ઉતરસંડા વિસ્તારમાં આવેલા નવાકુવા અને ફતેપુરા રોડ ઉપર આંગણવાડી બનાવવા માટે સરકારી ઠરાવ અને નિયમોનુસાર જમીન ફાળવવામાં આવી હતી. સરકાર દ્વારા આ માટે ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ સ્થળ પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે નજીકમાં જ રક્ષેશ્વર મહારાજ નામ ધારણ કરી રહેતા શખ્સ અને તેમના સાગરિતો દ્વારા આ કામમાં ભારે વિક્ષેપ ઉભો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ લોકોએ આંગણવાડી તોડી નાખવાની અને જો અહીં કામ થશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ધમકીઓ આપી હતી. આ વિસ્તારમાં રહેતા ખેડૂતો અને શ્રમજીવી પરિવારોના નાના બાળકોના શિક્ષણ અને પોષણ માટે આ આંગણવાડી ખૂબ મહત્વની હોવા છતાં, માત્ર જમીન પચાવી પાડવાના ઈરાદે સરકારી કામમાં રૂકાવટ ઉભી કરવામાં આવી રહી છે, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 

વધુમાં અરજદારોએ આવેદનપત્રમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ઉતરસંડા સીમ વિસ્તારમાં આશ્રમના સંચાલકો દ્વારા ખેતરોના કુદરતી ઢાળ અને પાણીના નિકાલ માટેની નાની નાળીઓ અને કાંસ પર ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે. આ દબાણોને કારણે ચોમાસા દરમિયાન અને સિંચાઈનું પાણી ખેતરોમાં ફરી વળે છે, જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન થાય છે. ખેડૂતો જ્યારે આ બાબતે રજૂઆત કરવા જાય છે ત્યારે તેમને કોર્ટ કચેરીના ડર બતાવવામાં આવે છે અને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આશ્રમના લોકો દ્વારા ગોચરની જમીન પર પણ પથ્થરો નાખી અને દિવાલો ચણી લઈ ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હોવાની રાવ પણ ઉઠી છે.

સ્થાનિકોની માંગ છે કે, કલેક્ટર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના આ વિસ્તારની જાત તપાસ કરવામાં આવે અને સરકારી જમીન પર થયેલા દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. જે જગ્યા સરકાર દ્વારા આંગણવાડી માટે ફાળવવામાં આવી છે, ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જો તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

 ‘ગાંધીનગરથી સાહેબનો ફોન છે’ કહી કામ અટકાવી દેવાયું ? 

ઉતરસંડા વિસ્તારમાં આંગણવાડીનું કામ પ્લિન્થ લેવલ સુધી પહોંચ્યું હતું ત્યારે અચાનક કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધું હતું. જ્યારે નાગરિકોએ કોન્ટ્રાક્ટરને પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે, ગાંધીનગરથી કોઈ મોટા સાહેબનો ફોન આવ્યો છે અને કામ બંધ કરવાનું કહ્યું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે, વિધિવત ટેન્ડર પ્રક્રિયા અને સરકારી મંજૂરી બાદ શરૂ થયેલું કામ માત્ર એક ફોન પર કેવી રીતે અટકી શકે?. સ્થાનિક તંત્રએ કોઈના ઈશારે આ કામ બંધ કર્યું છે, તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

જમીન પચાવવા ખોટું સ્મશાન ઉભું કરી દેવાયું હોવાનો આક્ષેપ

જમીન પચાવી પાડવા માટે આશ્રમની ટોળકી દ્વારા એક નવો જ કીમિયો અપનાવવામાં આવ્યો છે. સર્વે નંબર ૩૩૩ વાળી સરકારી ગોચરની જમીન પર તેમણે ગેરકાયદેસર રીતે પથ્થરો ગોઠવી દઈ ત્યાં સ્મશાન હોવાનું ચિત્ર ઉભું કર્યું છે. હિન્દુ ધર્મની લાગણીઓ અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી, લોકોને ડરાવીને આ કિંમતી જમીન કવર કરવાનો આ કારસો છે. વાસ્તવમાં રેવન્યુ રેકોર્ડ પર ત્યાં કોઈ સ્મશાન નથી, પરંતુ માત્ર જમીન પર કાયમી કબજો જમાવવા માટે આ પેંતરો રચવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.



Source link

Related Articles

Back to top button