અમદાવાદ: વોન્ટેડ બુટલેગરને ભગાડવા પોલીસ પર પથ્થરમારો કર્યો, બેની ધરપકડ, ઘર પર બુલડોઝર એક્શન | Ahmedabad News wanted bootlegger Stones pelted at police Two accused arrested

Ahmedabad News: અમદાવાદમાં નરોડામાં ગઈકાલે રાત્રે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે કાલીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેના ભાઈઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધારના ગેરકાયદેસર દબાણ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરી છે.
આરોપીને બચાવવા પથ્થરમારો
પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અનિલ ઉર્ફે કાલી ચોક્કસ જગ્યાએ હોવાની બાતમી મળી હતી. મળેલા ઈનપુટના આધારે પોલીસ કાફલો જ્યારે તેને દબોચવા પહોંચ્યો, ત્યારે અનિલને બચાવવા માટે તેનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ મેદાને આવ્યા હતા. આ બંને શખ્સોએ પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી એક બાદ એક પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં સ્થાનિકોના વાહનોના કાચ તૂટી ગયા હતા અને નુકસાન થયું હતું. પથ્થરમારાનો લાભ લઈને વોન્ટેડ અનિલ ઉર્ફે કાલી અને તેની સાથેનો અન્ય એક શખ્સ અંધારામાં ફરાર થઈ ગયા હતા.

પથ્થરમારો કરનાર રીઢો ગુનેગાર
ઝડપાયેલા આરોપી જીગર ઉર્ફે જીગાનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો છે. તેના વિરુદ્ધ અગાઉ 40 જેટલા ગુના નોંધાયેલા છે અને તે પોલીસ દ્વારા જાહેર કરાયેલા અસામાજિક તત્વોની યાદીમાં પણ સામેલ છે. અગાઉ પોલીસ પર હુમલો કરવાના ગુનામાં તેને ચાર વર્ષની સજા પણ થઈ હતી, પરંતુ હાલ તે અપીલ જામીન પર બહાર હતો.
આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોએ બદલ્યો અંદાજ! હવે રૂટ ઓળખવા માટે યાદ રાખો આ 4 કલર, જાણો તમારા રૂટનો કલર
મુખ્ય આરોપીના ઘર પર ડિમોલિશન
આ ઘટના બાદ પોલીસે ત્રણેય ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી છે. વધુમાં, તંત્ર દ્વારા તેમના ઘરના ગેરકાયદેસર ભાગનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. હાલ પોલીસ ફરાર અનિલ ઉર્ફે કાલીને પકડવા માટે સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સની મદદ લઈ રહી છે.


