ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: TRB જવાનોના વેતનમાં રૂ.150નો વધારો, હવે પ્રતિદિન રૂ.450 મળશે | gujarat govt increases trb jawan daily honorarium wages

![]()
Gujarat TRB Jawan News: ગુજરાત રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપનમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ વિભાગે TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં રૂ. 150નો વધારો કર્યો છે. ત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂ. 300 માનદ વેતન ચૂકવવામાં આવતું હતું, જે હવે વધારીને રૂ. 450 કરવામાં આવ્યું છે. વર્ષ 2018ના ઠરાવ બાદ લાંબા સમય પછી આ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.
10,000 થી વધુ પરિવારોને સીધો લાભ, નવો નિર્ણય આજથી જ લાગુ
વેતન વધારાનો નવો નિર્ણય આજથી જ અમલી બનશે. રાજ્યના અંદાજે 10,000 થી વધુ TRB જવાનો અને તેમના પરિવારોને આ આર્થિક વધારાનો સીધો લાભ મળશે.
પોલીસના પૂરક તરીકેની ભૂમિકા
નોંધનીય છે કે, શરૂઆતમાં સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, જે આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના હેતુથી સરકારે આ સંવેદનાત્મક અભિગમ અપનાવ્યો છે.


