गुजरात

ઉત્તરાયણ પર પતંગબાજો માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ, જાણો હવામાન વિભાગની આગાહી | Uttarayan 2026 Weather Forecast Good Winds Predicted for Kite Flying in Gujarat



Uttarayan 2026 Weather Forecast: ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 14 અને 15 જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. 

ઉત્તરાયણમાં પવનની ગતિ રહેશે સાનુકૂળ

હવામાન વિભાગ મુજબ, 14-15 જાન્યુઆરીના રોજ પવનની ઝડપ 5થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જેમાં 14મી જાન્યુઆરીએ પવન મુખ્યત્ત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહેશે. જ્યારે 15મીએ પણ ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે, જે પતંગબાજો માટે ‘કાઇપો છે’ ના નાદ સાથે તહેવાર માણવા માટે ઉત્તમ સાબિત થશે.

આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ

વાતાવરણની સ્થિતિ અંગે વાત કરીએ તો, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. તાપમાનમાં પણ સતત વધ-ઘટ જોવા મળશે. આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થશે, પરંતુ ત્યારબાદના 4 દિવસમાં પારો 2થી 3 ડિગ્રી જેટલો ગગડી શકે છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જોર વધવાની શક્યતા છે. 

સમગ્ર રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જેનાથી પતંગબાજોએ ધાબા પર ઠંડીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ, આ રહી લિંક

સ્થાનિક તાપમાનના આંકડા જોઈએ તો, કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી અને અમરેલીમાં 9 ડિગ્રી નોંધાયું છે, જે રાજ્યના સૌથી ઠંડા વિસ્તારો રહ્યા છે. અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. જેમાં આગામી 24 કલાકમાં 1 ડિગ્રીનો ઘટાડો થઈને પારો 15 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આમ, ઉત્તરાયણના પર્વ પર આકાશમાં પતંગોની પેચબાજી માટે પવનનો સાથ મળશે, પરંતુ સાથે સાથે કડકડતી ઠંડીનો ચમકારો પણ અકબંધ રહેશે.



Source link

Related Articles

Back to top button