યુરોપના સહારે ભારતે ટ્રમ્પના ટેરિફનો તોડ શોધ્યો, 4 દેશોમાં નિકાસના આંકડાએ ચોંકાવ્યા | spain germany belgium poland emerging as key export destinations for india within eu

India-European Union Trade Statistics: વાણિજ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, યુરોપના દેશોમાં ભારતની નિકાસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપિયન યુનિયનના 27 દેશોના સમૂહમાં સ્પેન, જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ ભારત માટે સૌથી મહત્ત્વના વેપારી ભાગીદારો તરીકે ઉભરી આવ્યા છે. આ દેશોમાં ભારતીય વસ્તુઓની માંગ સતત વધી રહી છે, જે ભારતની મજબૂત આર્થિક વ્યૂહરચના દર્શાવે છે.
નિકાસના આંકડાઓમાં સ્પેન સૌથી મોખરે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં(એપ્રિલથી નવેમ્બર) સ્પેનમાં ભારતની નિકાસમાં 56%નો ધરખમ વધારો થયો છે. ગત વર્ષે આ સમયગાળામાં જે નિકાસ 3 અબજ ડોલર હતી, તે વધીને હવે 4.7 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ જંગી વધારાને કારણે ભારતની કુલ નિકાસમાં સ્પેનનો હિસ્સો વધીને 2.4% થયો છે. અન્ય યુરોપિયન દેશોની સરખામણીએ સ્પેનમાં ભારતીય માલની પહોંચમાં થયેલો આ સુધારો સૌથી નોંધપાત્ર ગણાય છે.
નવા યુરોપિયન દેશોમાં સફળ પ્રવેશથી ભારતીય નિકાસકારોને મોટા લાભ
યુરોપના અન્ય દેશોમાં પણ ભારતનો વેપાર ખૂબ જ મજબૂત બની રહ્યો છે. જર્મની ભારતીય ચીજવસ્તુઓ માટે એક ભરોસાપાત્ર બજાર સાબિત થયું છે, જ્યાં ભારતની નિકાસમાં 9.3%નો વધારો થયો છે. આ નિકાસ 6.8 અબજ ડોલરથી વધીને 7.5 અબજ ડોલર પર પહોંચી છે, જે ભારતની કુલ નિકાસમાં 2.6% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. જર્મની જેવા મોટા દેશમાં ભારતીય ઉત્પાદનોની માંગ સતત જળવાઈ રહી છે.
તેવી જ રીતે, બેલ્જિયમ અને પોલેન્ડમાં પણ ભારતની નિકાસમાં સારો વિકાસ જોવા મળ્યો છે. બેલ્જિયમમાં નિકાસ વધીને 4.4 અબજ ડોલર થઈ છે, જ્યારે પોલેન્ડમાં 7.6%ના વધારા સાથે તે 1.82 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ આંકડાઓ સાબિત કરે છે કે ભારત હવે માત્ર જૂના બજારો પર જ નિર્ભર નથી, પરંતુ નવા યુરોપિયન દેશોમાં પણ પોતાનો વેપાર સફળતાપૂર્વક ફેલાવી રહ્યું છે. આ એક સંતુલિત વ્યૂહરચના છે જે ભારતીય નિકાસકારો માટે નવા અવસરો ખોલી રહી છે.
આ પણ વાંચો: ગજબ આપખુદશાહી : ડોનાલ્ડ ટ્રમ્પને ખુદને વેનેઝુએલાના ‘એક્ટિંગ પ્રેસિડેન્ટ’ જાહેર કર્યા
ભારત અને EU વચ્ચેના સંભવિત કરારથી દ્વિપક્ષીય વેપારમાં નવી તેજીની અપેક્ષા
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર(FTA) માટે ચાલી રહેલી વાટાઘાટોથી દ્વિપક્ષીય વેપારમાં વધુ વૃદ્ધિની અપેક્ષા છે. વર્ષ 2024-25માં ભારત અને EU વચ્ચેનો માલસામાનનો વેપાર 136.53 અબજ ડોલર રહ્યો હતો, જે યુરોપિયન યુનિયનને ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બનાવે છે. ભારતની કુલ નિકાસમાં EU માર્કેટનો હિસ્સો આશરે 17% છે. જો આ પ્રસ્તાવિત કરાર સફળ થશે, તો રેડીમેડ ગારમેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ઈલેક્ટ્રિકલ મશીનરી જેવી ભારતીય વસ્તુઓ યુરોપિયન બજારોમાં વધુ સ્પર્ધાત્મક બનશે.




