राष्ट्रीय

એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે ભૂલ કબૂલી 3500 પોસ્ટ, 600 ખાતા ડિલીટ કર્યા | X admits mistake over pornographic content deletes 3500 posts 600 accounts



– અશ્લીલ તસવીરો-વીડિયો મુદ્દે કેન્દ્રની લાલ આંખની અસર

– દુનિયાભરના નિયમનકારોએ કન્ટેન્ટમાં ફેરફાર, ડેટા સુરક્ષા અને સંમતી વિના અશ્લીલ તસવીરોના ઉપયોગ અંગે ચેતવણી આપી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે વાંધો ઉઠાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને આકરા પગલાં લેવાની ચેતવણી આપ્યા પછી ઈલોન મસ્કની કંપની પર અસર થઈ છે. એક્સે અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે પોતાની ભૂલ કબૂલી હતી અને ૬૦૦ એકાઉન્ટ ડિલીટ કરી દીધા છે. સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અશ્લીલ કન્ટેન્ટ ધરાવતી ૩૫૦૦થી વધુ પોસ્ટ પણ તેના પ્લેટફોર્મ પરથી હંમેશા માટે હટાવી દીધી છે.

કેન્દ્ર સરકારે ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અશ્લીલ કન્ટેન્ટના પ્રસાર સામે વાંધો ઉઠાવ્યો હતો અને ટૂંક સમયમાં તેના પર પગલાં નહીં લે તો કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. એક્સે સરકારને આશ્વાસન આપ્યું હતું કે તેના પ્લેટફોર્મ પરથી અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવાની કોઈને પણ મંજૂરી નહીં આપે અને સરકારી નિયમોનું પાલન કરશે. વધુમાં અત્યારે પણ જે અશ્લીલ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે તેને તુરંત દૂર કરશે. કેન્દ્રીય મંત્રાલયે ગ્રોક પર એઆઈના ઘોર દુરુપયોગ અને મહિલાઓની અશ્લીલ તસવીરો અને વીડિયો બનાવી તેમને બદનામ કરવા માટે એક્સ પર શૅર કરવાનો આરોપ મૂક્યો હતો. મંત્રાલયે એક્સને ચેતવણી આપી હતી કે ૭૨ કલાકની સમય મર્યાદામાં કંપની આ કન્ટેન્ટ નહીં હટાવે તો તેણે કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે.

એક્સના એઆઈ ચેટબોટ ગ્રોક સામે સમગ્ર દુનિયાની સરકારોએ અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે દબાણ કર્યું છે. દુનિયાભરના નિયમનકારોએ કન્ટેન્ટમાં ફેરફાર, ડેટા સુરક્ષા અને સંમતી વિનાની અશ્લીલ તસવીરો મુદ્દે જનરેટિવ એઆઈ એન્જિન પર આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે.

ભારત સરકારના સ્રોતના જણાવ્યા મુજબ એક્સએ પોતાની ભૂલ સ્વીકારી છે અને સરકારને ભારતીય કાયદાઓનું પાલન કરવાની ખાતરી આપી છે. એક્સના જણાવ્યા મુજબ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અશ્લીલ કન્ટેન્ટ ધરાવતી ૩૫૦૦થી વધુ પોસ્ટ હટાવી દીધી છે અને સોશિયલ મીડિયાના ૬૦૦ એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરી દીધા છે. એક્સે આગામી સમયમાં ભારતીય કાયદો નહીં તોડવાની ખાતરી આપી છે. 



Source link

Related Articles

Back to top button