‘મેં બાળકોને મારી નાખ્યા, હવે હું પણ મરી જઈશ…’, માસૂમોના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ | Rajasthan News Bhilvada Mother kills two children in Manpura Village

![]()
Rajasthan News: રાજસ્થાનના ભીલવાડામાં એક માતાએ પોતાના જ બે બાળકોનું ગળું કાપી કરપીણ હત્યા કરી છે. બાદમાં તેના પતિને ફોન કરી કહ્યું કે, ‘મેં બાળકોને મારી નાખ્યા છે, હું હવે ઝેર ખાઈને મરી રહી છું’, હાલ તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ઘટના આજે 11 જાન્યુઆરીના રોજ સવારે માંડલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુરા ગામમાં બની હતી.
વ્હાલસોયા બાળકોનો શું વાંક?
અરે એવી તો કેવી માં કે તેના માસૂમ બાળકોના ગળે ધારદાર હથિયાર ફેરવતા તેનો હાથ ન કાંપ્યો, એવી તો કેવી મજબૂરી કે પોતાના જણેલા બે બાળકોના લોહીથી પોતે રક્તરંજીત થઈ, પ્રાથમિક માહિતી છે કે મહિલા કેન્સરથી પીડિત છે, લાંબા સમયથી સારવાર ચાલી રહી છે જેથી તે કંટાળી ગઈ હતી, તેના લીધે આ પગલું ભર્યું છે. પણ એ બે વ્હાલસોયા બાળકોનો શું વાંક હતો જે હવે દુનિયામાં નથી?
બાળકોને મારી માતાએ ઝેરી દવા પીધી
માનપુરામાં ટેન્ટનો ધંધો કરતાં રાજુ તેલીના ઘરે તેની પત્ની સંજુ દેવીએ બનાવને અંજામ આપ્યો છે. રવિવારે સવારે દીકરી નેહા (12) અને દીકરા ભૈરુ (7)ના ગળે કાપા મૂક્યા હતા, જે બાદ બાળકો તરફડીને મોતને ભેટયા હતા, બાદમાં સંજુ દેવીએ પતિ રાજુને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ‘મેં બંને બાળકોને મારી નાખ્યા છે. હું પોતે ઝેર ખાઈને મરી રહી છું’, સાંભળતા જ પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, ક્ષણભરનો વિચાર કર્યા વગર રાજુએ પડોશીઓને ફોન કર્યા હતા.
પતિને ફોન કર્યા બાદ પડોશી દોડી આવ્યા
પડોશીઓ દોડીને બનાવ સ્થળે એટલે કે રાજુના ઘરે પહોંચ્યા હતા. તેમણે સંજુ દેવીને ઘણા અવાજો લગાવ્યા હતા પણ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ કેટલાક લોકોએ છત પરથી ચઢીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં એક રૂમમાં બે બાળકો ગળા કપાયેલી હાલતમાં અને બાજુમાં સંજુ દેવી ઝેર ખાઈને તરફડિયાં મારી રહી હતી.
સંજુ દેવી હોસ્પિટલમાં દાખલ
જે બાદ ત્રણેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને બાળકો મોતને ભેટયા હોવાનું ખૂલ્યું હતું. સંજુ દેવીના ખોળિયામાં હજુ પણ જીવ ટળવળી રહ્યો હતો. પોલીસે તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી બાળકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા. જ્યાં ડોક્ટરે પણ સંજુ દેવીએ ઝેરી દવા પીધી છે તેવું જણાવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.



