राष्ट्रीय

કાકા-ભત્રીજા ફરી એક થશે? શરદ પવાર સાથે હાથ મિલાવવાની અટકળો પર અજિત પવારનો જવાબ | Ajit Pawar on NCP Reunion: No Official Talks Yet But Workers Want Unity



Ajit Pawar on NCP Reunion: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગઠબંધનનું રાજકારણ તેજ બન્યું છે. એક તરફ જ્યાં ઠાકરે બ્રધર્સ એક થયા છે. ત્યાં NCPમાં કાકા ભત્રીજા એક થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. એવામાં અજિત પવારે અટકળો પર મોટું નિવેદન આપતા કહ્યું છે, કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી. 

શરદ પવાર અને અજિત પવારની NCP ફરી એક થશે? 

અજિત પવારે કહ્યું, કે પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જો બંને NCP એક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો વહેંચાશે નહીં. આ મામલે મેં સુપ્રિયા સુલે અને શશિકાંત શિંદે સાથે પણ ફોન પર વાત કરી હતી અને સામા પક્ષે પણ સકારાત્મક જવાબ મળ્યો છે. શરદ પવારની NCPના ધારાસભ્યો અને સાંસદો મને મળવા આવે ત્યારે પણ તેઓ કહે છે કે હવે બંને પક્ષો એ એક થઈ જવું જોઈએ. 

હજુ સુધી કોઈ સત્તાવાર ચર્ચા નહીં: અજિત પવાર 

અજિત પવારે વધુમાં કહ્યું, કે પહેલા તો વિપક્ષમાં બેઠેલા સાંસદો અને ધારાસભ્યોના પણ કામ થઈ જતાં હતા. પણ હવે સ્થિતિ અલગ છે. વિપક્ષમાં બેઠા બેઠા નેતાઓ પરેશાન થઈ જાય છે. બંને NCP એક થાય તે માટે હજુ સુધી કોઈ અંતિમ ચર્ચા નથી થઈ. 

ભાજપના હાઈકમાન્ડ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત્ત્વ નથી આપતો: અજિત પવાર

મહારાષ્ટ્રમાં અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ પક્ષોએ ગઠબંધન કર્યા છે. જેના પર કટાક્ષ કરતાં અજિત પવારે કહ્યું, કે રાજ્યના 29 નગર નિગમમાં અલગ અલગ સમીકરણ જોવા મળી રહ્યા છે. કોઈ એક પક્ષે તો AIMIM સાથે ગઠબંધન કરી લીધું. ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે જવાબ આપતા પવારે કહ્યું, કે મેં પણ આવી ચર્ચાઓ સાંભળી છે જેમાં મારું નામ લેવામાં આવે છે. પણ મેં રાજ્ય અને કેન્દ્રના હાઈકમાન્ડ સાથે આ મુદ્દે વાત કરી લીધી છે. તેથી અન્ય નેતાઓની વાતને મહત્ત્વ નથી આપતો. 

શરદ પવાર અને અજિત પવારના સંબંધોમાં ઉતાર ચઢાવ ( ટાઈમલાઈન ) 

1982 : શરદ પવારના માર્ગદર્શનમાં અજિત પવારે રાજકારણમાં પ્રવેશ કર્યો. સહકારી મંડળીઓમાં સક્રિય થયા. 

1991 : શરદ પવારે કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા ત્યારે અજિત પવારે તેમના માટે બારામતી લોકસભા બેઠક ખાલી કરી

1999 : શરદ પવારે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે NCPની રચના કરી. અજિત પવાર પણ મહત્ત્વની ભૂમિકામાં રહ્યા

2009 : શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેનો રાજકારણમાં પ્રવેશ થયો અને તેઓ લોકસભા સાંસદ બન્યા

2010-2014 : અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી રહ્યા. આ સમયે તેમના પર કૌભાંડના આક્ષેપો લાગ્યા

2019 ( મે ) : લોકસભા ચૂંટણીમાં અજિત પવારના પુત્ર પાર્થ પવારનો પરાજય થયો. એવું કહેવાય છે કે શરદ પવાર પાર્થને ટિકિટ આપવાના પક્ષમાં જ નહોતા. જેનાથી અજિત પવાર નારાજ હતા

નવેમ્બર, 2019 : 23 તારીખે વહેલી ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી જ્યારે અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. જોકે શરદ પવારે જાહેર કર્યું કે NCP ભાજપ સાથે ગઠબંધન નહીં કરે. 80 જ કલાકમાં અજિત પવાર ફરી કાકા શરદ પવાર સાથે જોડાઈ ગયા. બંનેએ પદથી રાજીનામું આપવું પડ્યું. 

2022 : શિવસેનામાં એકનાથ શિંદેએ બળવો કરતાં કોંગ્રેસ, શિવસેના અને NCP ગઠબંધનની સરકાર પડી ગઈ. અજિત પવાર વિપક્ષના નેતા બન્યા. 

2 જુલાઈ, 2023 : 

અજિત પવાર NCPના મોટા ભાગના ધારાસભ્યો સાથે શિંદે અને ભાજપની સરકારમાં જોડાઈ ગયા અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. પક્ષમાં બળવા બાદ કહ્યું કે શરદ પવારે હવે નિવૃત્ત થઈ જવું જોઈએ. 

ફેબ્રુઆરી 2024 : 

ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી NCPની માન્યતા આપી અને ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન પણ આપ્યું. 

શરદ પવારે તેમના જૂથનું નામ NCP ( શરદચંદ્ર પવાર ) રાખ્યું 

2024 લોકસભા ચૂંટણી : 

બારામતી બેઠક પર સુપ્રિયા સુલે સામે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડ્યા, સુપ્રિયા સુલેની જીત થઈ. 



Source link

Related Articles

Back to top button