જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર: માતા પુત્રી પર હુમલો કરી માથું ફોડી નાખ્યું: બે પાડોશી દંપતી સામે ફરિયાદ | Dispute between two neighbors in Gokul Nagar area of Jamnagar

![]()
જામનગરમાં ગોકુલનગર નજીક સોમનાથ સોસાયટી શેરી નંબર -16માં રહેતા રાહુલ ખીમાભાઇ ચાવડા નામના યુવાને પોતાના માતા વિજયાબેન તથા મોટા બહેન સરલાબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા બે દંપતિઓ શક્તિ કાનજીભાઈ કુકડીયા અને લાલજી કાનજીભાઈ કુકડીયા તેમજ ભારતીબેન શક્તિભાઈ કુકડીયા અને આરતીબેન લાલજીભાઈ કુકડીયા સામે ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત ચારેય આરોપીઓએ તમે અમારી ખટપટ શું કામ કરો છો, અને મકાન ખાલી કરીને ચાલ્યા જાવ, તેમ કહી ઝઘડો કર્યો હતો. અને લાકડા ના ધોકા વડે હુમલો કરી દેતાં માતા પુત્રી ઘાયલ થયા છે. અને જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાં પુત્રી સરલાબેન ના માથામાં હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ છે, અને ઓપરેશન કરવાની તજવીજ ચાલી રહી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત સામા પક્ષે દિનેશ ઉર્ફે લાલજી કાનજીભાઈ કુકડીયા એ પોતાના ઉપર લાકડા નો ધોકો ફટકારી માથું ફોડી નાખવા અંગે રાહુલ ખીમાભાઈ ચાવડા, ખીમાભાઇ રણમલભાઈ ચાવડા, સરલાબેન વિપુલભાઈ આરઠીયા, અને કાજલબેન ખીમાભાઈ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
જેમાં ફરિયાદી યુવાનને માથામાં ઇજા થઈ હોવાથી જી.જી. હોસ્પિટલમાં સાત ટાંકા લેવા પડ્યા છે. આ ઉપરાંત તેની પુત્રી રૂપાલીને પણ માર માર્યો હોવાથી ઈજા થઈ છે, અને તેને પણ પ્રાથમિક સારવાર લેવી પડી છે. સમગ્ર મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.



