લ્યો… અમેરિકાની સેનાએ ‘બળવો’ પોકાર્યો! ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર હુમલો કરવાનો આદેશ માનવા ઈનકાર | Now the US military has rebelled refusing to obey Trump’s order to attack Greenland

![]()
Donald trump and Greenland : વેનેઝુએલામાં સફળ લશ્કરી કાર્યવાહી બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ પર છે. ટ્રમ્પે ‘જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન કમાન્ડ’ (JSOC) ને ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે સૈન્ય વિકલ્પો તપાસવા અને હુમલાનો પ્લાન તૈયાર કરવા કહ્યું છે. જોકે, અમેરિકન સેનાના વડાઓ અને ટોચના અધિકારીઓએ આ આદેશને ગેરકાયદેસર અને જોખમી ગણાવીને તેને માનવાનો ઇનકાર કર્યો છે.
સેના અને ટ્રમ્પ વચ્ચે કેમ સર્જાયો ગતિરોધ?
અમેરિકન સેનાના ‘જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ’ આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. લશ્કરી અધિકારીઓનું માનવું છે કે કોઈ પણ મિત્ર દેશ (ડેનમાર્ક) ના પ્રદેશ પર સૈન્ય કાર્યવાહી કરવી એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. ગ્રીનલેન્ડ ડેનમાર્કનો ભાગ છે, જે નાટોનું સભ્ય છે. જો અમેરિકા હુમલો કરે, તો નાટો ગઠબંધન તૂટી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈન્ય અધિકારીઓ ટ્રમ્પનું ધ્યાન ગ્રીનલેન્ડથી હટાવીને રશિયન જહાજોને રોકવા અથવા ઈરાન સામે મર્યાદિત કાર્યવાહી જેવા વિકલ્પો તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રમ્પની દલીલ: રશિયા અને ચીનનો ડર
પ્રમુખ ટ્રમ્પ અને તેમના સલાહકાર સ્ટીફન મિલરનું માનવું છે કે જો અમેરિકા ઝડપથી ગ્રીનલેન્ડ પર કબજો નહીં કરે, તો રશિયા અથવા ચીન ત્યાં પોતાની પકડ મજબૂત કરી લેશે. ટ્રમ્પે શુક્રવારે ધમકી આપી હતી કે જો ડેનમાર્ક સાથે સોદો પાર નહીં પડે, તો અમેરિકાએ ‘સખત રસ્તો’ અપનાવવો પડશે. ગ્રીનલેન્ડમાં રહેલા અબજો ડોલરના કુદરતી સંસાધનો અને તેની વ્યૂહરચનાત્મક સ્થિતિને કારણે ટ્રમ્પ તેને કોઈ પણ ભોગે મેળવવા માંગે છે.
રાજકીય ગણિત અને મધ્યાવધિ ચૂંટણી
બ્રિટિશ રાજદ્વારીઓના મતે, ટ્રમ્પના આ આક્રમક વલણ પાછળ ઘરેલું રાજકારણ જવાબદાર છે. અમેરિકામાં આ વર્ષે મધ્યાવધિ ચૂંટણીઓ યોજાવાની છે. અર્થતંત્રના નબળા દેખાવથી જનતાનું ધ્યાન હટાવવા માટે ટ્રમ્પ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ અને ‘ગ્રીનલેન્ડ’ જેવો મોટો મુદ્દો ઉછાળી રહ્યા હોવાનું મનાય છે.
ગ્રીનલેન્ડનો પ્રતિસાદ: “અમે વેચાવા માટે નથી”
ગ્રીનલેન્ડના તમામ મોટા રાજકીય પક્ષોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ટ્રમ્પના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અમે અમેરિકન બનવા માંગતા નથી. અમે ડેનમાર્કની આધીનતામાંથી પણ મુક્ત થઈને સ્વતંત્ર રહેવા માંગીએ છીએ. ગ્રીનલેન્ડનું ભવિષ્ય ત્યાંના લોકો પોતે નક્કી કરશે, કોઈ બહારની શક્તિ નહીં.
આ વિવાદ હવે અમેરિકાના આંતરિક વહીવટ અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે એક મોટી કસોટી બની ગયો છે. જો ટ્રમ્પ પોતાની જીદ પર અડગ રહેશે, તો વિશ્વના સૌથી જૂના લશ્કરી ગઠબંધન (NATO) માં તિરાડ પડવી નિશ્ચિત છે.



