નબળી કક્ષાના દારૂને ઉંચી કવોલિટીનો બનાવીને વેચાણ કરવાનું રેકેટ પકડાયું | Racket of selling low quality liquor by making it look high quality was busted

![]()
– પેટલાદના બમારોલીના તાબે મહુડીયા પુરામાં
– બે શખ્સોની ધરપકડ, એક ફરાર : દારૂનો જથ્થો સહિત 76 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
આણંદ : પેટલાદ તાલુકાના બામરોલી તાબેના મહુડીયા પુરા ખાતે આવેલા ખુલ્લા ખેતરમાં પોલીસે છાપો મારીને અડારાની આડમાં ચાલતા હલકી કક્ષાના દારૂને ઉંચી ક્વોલિટીનો દારૂ બનાવી ખાલી બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચાણ કરવાના રેકેટનો પદાર્ફાશ કર્યો હતો. પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે મહેળાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાલુકાના બામરોલી તાબે મહુડીયા પુરા ચાર માર્ગ ચકલા નજીક ખુલ્લા ખેતરમાં આવેલા એક અડારામાં કેટલાક શખ્સો ભેગા થઈ હલકી કક્ષાનો વિદેશી દારૂ લાવી ઉંચી ક્વોલિટીની ખાલી બોટલોમાં ભરી વેચાણ કરવા માટે સંગ્રહ કરતા હોવાની બાતમી એલસીબીને મળી હતી. પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે છાપો માર્યો હતો. જેમાં પોલીસને જોઈને એક શખ્સ ખેતરાળું રસ્તે ફરાર થઈ ગયો હતો. જ્યારે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે બંનેના નામ ઠામ અંગે પૂછતા તે સિદ્ધાર્થ હર્ષદભાઈ પરમાર (રહે ગાયત્રી નગર સોસાયટી, આણંદ) અને અમિતકુમાર ઉર્ફે બટુક મનુભાઈ ઠાકોર (રહે. લોટીયા ભાગોળ આણંદ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા વિદેશી દારૂ ભરવા માટેની કાચની બોટલો તથા કંપનીના માર્કા વાળા બુચ મળી આવ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકના ખાલી ક્વાટરીયા પણ કબજે લીધા હતા ફરાર થઈ ગયેલા શખ્સ અંગે પોલીસે પૂછપરછ કરતા પેટલાદ તાલુકાના સંજય ગામનો શિવમ પરમાર હોવાનું બંનેએ જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સોની વધુ પૂછપરછ કરતા હલકી કક્ષાના દારૂના ક્વાંટરીયા તથા ખાલી બોટલો અને બુચ શિવમ લાવ્યો હોવાનું તથા ત્રણેય ભેગા મળી હલકી કક્ષાના દારૂમાંથી ઊંચી ક્વોલિટીની દારૂની ખાલી બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચાણ કરવાનું રેકેટ ચલાવતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે વિદેશી દારૂ તથા બે મોબાઈલ ફોન મળી ખુલ્લે રૂપિયા ૭૬ હજારનો મુદ્દામાલ કબજે લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



