પહેલાં સખત માર માર્યો પછી ઝેર આપ્યું, બાંગ્લાદેશમાં એક વધુ હિન્દુની ક્રૂર હત્યા | First beaten severely then poisoned another Hindu brutally murdered in Bangladesh

![]()
– સુનામગંજ જિલ્લામાં જૉય મહાપાત્રની કરાયેલી ક્રૂર હત્યા શેખ હસીનાનાં ત્યાગ પત્ર પછી હજી સુધીમાં 82 હિન્દૂની હત્યા થઇ, 2,900 જેટલા હુમલા થયા છે
ઢાકા : બાંગ્લાદેશમાં હિન્દૂઓની હાલત સુધરવાનું નામ લેતી નથી અહીં એક વધુ હિન્દુની હત્યા કરાઈ છે. સુનામગંજના જોય મુખર્જીને પહેલાં બેસુમાર માર મારવામાં આવ્યો. પછી ઝેર પીવડાવી દીધું. તેને હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બાંગ્લાદેશમાં છેલ્લાં કેટલાંયે સપ્તાહોથી હિન્દૂઓની હત્યાઓનો સીલસીલો ચાલે છે. થોડા દિવસો પહેલાં જ લીંચીંગથી બચવા ૨૫ વર્ષનો એક હિન્દુ યુવાન નહેરમાં કૂદી પડયો. તેમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું. ચોરીની શંકા ઉપરથી ટોળું તેની પાછળ પડયું હતું. પોલીસે ગુરૂવારે બપોરે ભાંદરપુર ગામ પાસેથી તેનું શબ હાથ કર્યું હતું. તેનું નામ મિથુન સરકાર હોવાનું જાણવા મળ્યું છે.
વિભિન્ન મીડીયા રીપોર્ટ અને માનવ અધિકાર સંગઠનો જણાવે છે કે છેલ્લા ૧૮-૨૦ દિવસમાં ઓછામાં ઓછા ૬થી ૭ હિન્દૂઓની હત્યા કરાઈ છે. તેમાં દીપુ ચંદ્રદાસ (મૈમણસિંહ જિલ્લો), રાણા પ્રતાપ બૈરાજી (જેશોર), મોની ચક્રવર્તી (નરસિંગઘ) અને મિથુન સરકાર (નૌગાંવ)નાં નામ મળી શક્યાં છે.
ભારત સરકારના આંકડા મુજબ ઓગસ્ટ ૨૦૨૪ (શેખ હસીનાનાં ત્યાગપત્ર) પછી હજી સુધીમાં ૨૩ હિન્દુઓની હત્યા કરાઈ છે. હિન્દુ એકતા પરિષદના કહેવા પ્રમાણે નવેમ્બર ૨૦૨૪ સુધીમાં જ ૮૨ હિન્દુઓની હત્યા કરાઈ છે. જ્યારે ભારત સરકાર પણ જણાવે છે કે અંતરિક્ષ સરકારના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતિઓ સામે ૨,૯૦૦થી વધુ હિંસક ઘટનાઓ થઇ છે.



