જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રીક ટનનું મત્સ્ય ઉત્પાદન : સરકારી સહાય મર્યાદિત | fish production of 2000 metric tons: Government assistance limited

![]()
– 152 કિ.મી. કોસ્ટલ એરીયા હોવા છતા મત્સઉદ્યોગ અવિકસીત
– કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ, પ્લાન્ટ, બોટ લેન્ડીંગ સેન્ટર જેવી સુવિધાના અભાવે મત્સ ઉદ્યોગ સિમિત બન્યો,ભાવનગરના મત્સ્ય ઉધોગ મંત્રી માટે વિકાસની તક મહતવ પૂર્ણ
ભાવનગર : ભાવનગરની આર્થિક જીવાદોરીમાં અલંગ અને ખેતીવાડી મુખ્ય છે. જ્યારે હીરા ઉદ્યોગ મંદીમાં ફસાયો છે. જ્યારે ૧૫૨ કિ.મી.નો મસમોટો દરિયા કાંઠો હોવા છતા મત્સ્ય ઉદ્યોગ મૃતપાય હાલતમાં જોવા મળે છે. જિલ્લાના ૧૪૭૮ માછીમારો દ્વારા વાર્ષિક ૨૦૦૦ મે. ટનનું હાલ ઉત્પાદન છે. પરંતુ જે કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ પ્લાન્ટ, બોટ લેન્ડીંગ સેન્ટરો વિકસાવાય તો આ ઉદ્યોગને પણ ગતિ મળી શકે તેમ છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લામાં કુલ મત્સ્ય ગામ ૨૩ છે, જેમાં ૯ મત્સ્ય કેન્દ્ર, મીઠા પાણીના ૪૩ જળાશયો જે ૪૬૯૦ હેક્ટરમાં વિસ્તરેલ છે જેમાં ૧૪૭૮ માછીમારો સક્રિય હોવાનું જણાય છે. ભાવનગરમાં ત્રણ પ્રકારે આ ઉદ્યોગ આકાર લીધો છે. દરિયાઇ મત્સ્ય ઉદ્યોગ ભાવનગર, ઘોઘા, સરતાનપર, મહુવા જ્યાંથી ૩૭૬ બોટો દરિયામાં જવા માટે રજિસ્ટ્રેશન થયેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ૧૭૨ લાભાર્થીને ૪૮.૭૪ લાખની સહાય સાધનો માટે અપાઇ છે. જ્યારે મીઠા પાણીના મત્સ્ય ઉદ્યોગ ઘેલો, કાળુભાર, કેરી, ખળખાલીયો, લીલકા, પડાલીયો, ભાદ્રોડી, માલણ, રજાવળ, શેત્રુંજી, તળાજી, માલેશ્રી, રોજકી, બગડ, ઉતાવળી નદી પરના ૪૩ જળાશયો ઇજારા પર આપી વાર્ષિક ૧.૪૭ કરોડની આવક તંત્રને થાય છે. જો કે, હાલ ૧૨ ઇજારા શરૂ હોવાનું જણાયું છે. જ્યારે ત્રીજી પદ્ધતિ ભાંભરા પાણીની છે. જે ઘોઘા, ગણેશગઢ, અધેલાઇ, ગુંદાળા, સરતાનપર વગેરે ગામોમાં કુલ ૪૦૦ હેક્ટરમાં જમીન ફાળવાય છે. હાલ ૨૫૭ હેક્ટર જીંગા ઉછેર માટે ફાળવાઇ છે. જેનું વાર્ષિક ૧૨૦ ટન જીંગા ઉત્પાદન થાય છે. આમ પદ્ધતિસરનો મત્સ્ય ઉદ્યોગ કરવા ઉત્તમ વાતાવરણ અને પર્યાપ્ત જમીન દરિયો હોવા છતા ત્રણે મળી કુલ વાર્ષિક ૨૦૦૦ મે. ટન ઉત્પાદન માંડ થાય છે. જે સ્થાનિક કક્ષાએ કે વધીને રાજ્યના જિલ્લાઓમાં સપ્લાય થતું હોવાનું જણાય છે. જિલ્લાના માછીમારો ગરીબ અને વેપારમાં સિમીત રહ્યા છે.તો તંત્રની ઉ ાસીનતાના કારણે કચેરીમા કાયમી અધિકારીની ખોટ વર્તાય છે. જ્યારે અગાઉ અને હાલ ભાવનગરના રાજકીય આગેવાનો મત્સ્ય ઉધોગ મત્રી હોય ત્યારે અન્ય જિલ્લાની તુલનામાં અહિ કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસીંગ પ્લાન્ટ કે લેન્ડીંગ બોટ સેન્ટરો જેવી વિશેષ સુવિધા વિકસાવાય તો આ મત્સ્ય ઉદ્યોગને પણ વેગ મળી શકે અને પગડીયા માછીમારોમાંથી વેપારી માછીમાર બની આર્થિક સમૃદ્ધ બની શકે.
કયા પાણીમાં કેવા જીવ ઉછેરાય છે અને 3 વર્ષમાં ચુકવેલ સહાય
બે પ્રકારના પાણીમાં થતો મત્સ્ય ઉદ્યોગમાં દરિયાઇ ખારા અને ભાંભરા પાણીમાં બુમ્બલા, પાપલેટ, શેરવો, સુરમાઇ, કારી, મગરા, લેપટા, કરચલાનું ઉત્પાદન થાય છે તો મીઠા પાણીમાં કાલા, રોડુ, મિગલનું ઉત્પાદન થાય છે જેના બ્રીડ ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી લાવી નાખવામાં આવે છે અને ૧૫ ઓગસ્ટથી ૧ જુન ૭૬ દિવસ સિવાયના દિવસોમાં ઉછેર કરી વેચાણ કરાય છે. જો સહાયની વાત કરીએ તો પી.એમ.એમ.એસ.વાય. યોજના હેઠળ ત્રણ વર્ષમાં ૨૪ લાભાર્થીને દરિયાઇ માટે સાધન પેટે ૫.૬૦ લાખ, ઇન્સ્યુલેટેડ વાન માટે ૮ લાભાર્થીને ૩૨.૯૧ લાખ, રેફ્રીઝરેટર માટે ૧૦ લાખની સહાય ચુકવાઇ તો મીઠા પાણી માટે ટીનબોટ નેટ, મત્સ્ય બીજ સંગ્રહ બોક્સ, પગડીયા માટે ૯૨ લાભાર્થીને ૧૯.૭૯ લાખની સહાય ચુકવાઇ છે.
એનપીડીપી હેઠળ 3303 પૈકી 2832 માછીમારોનું રજિસ્ટ્રેશન થયું
મત્સ્ય ઉદ્યોગ માટે અગાઉના કાર્યકાળમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ ચુકવણું કરાતું હતું જેને તાજેતરમાં અપડેટ કરી નેશનલ ફ્રીશરીઝ ડેવલોપમેન્ટમાં તબદીલ કરાયેલ છે. આ નવા એનએફડીપી પોર્ટલ પર ચાલુ વર્ષથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેમાં જાણવા મળ્યા મુજબ ૩૩૦૩ પૈકીના ૨૮૩૨ માછીમારોનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયું હોવાનું જણાય છે. જેમાં આગામી દિવસોમાં તબક્કાવાર સહાય જાહેર કરવામાં આવશે.



