માદુરોની જેમ પુતિનની પણ ધરપકડ કરાવશો ? તે પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું : આમ કરવાની જરૂર નથી | Will you arrest Putin like Maduro In response to the question Trump said

![]()
– બલિદાન બકરીનું અપાય વાઘનું અપાયું હોવાનું સાંભળ્યું નથી : નિરીક્ષક
– યુક્રેન યુદ્ધથી હું ઘણો જ હતાશ છું, પરંતુ તેથી પુતિનની ધરપકડ કરવાની જરૂર નથી : પુતિન સાથે અમેરિકાને ઘણા સારા સંબંધો છે
વૉશિંગ્ટન : વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરાવી તેમ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનની ધરપકડ કરાવશો કે કેમ ? તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેની જરૂર નથી. જો કે યુક્રેન યુદ્ધથી હું ઘણો જ હતાશ છું.
માદુરોની ધરપકડ થયા પછી પુતિનની પણ ધરપકડ થઇ શકે તેવા યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીનાં નિવેદન સંદર્ભે પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ પ્રમાણે કહ્યું હતું.
માદુરોની ધરપકડ કરાયા પછી ઝેલેન્સ્કીએ કહ્યું કે એક સરમુખત્યાર સાથે કેવો વ્યવહાર કરવો તે અમેરિકા જાણે છે, તેથી તેનું એક અર્થઘટન તે પણ થઇ શકે છે, હવે પુતિનનો વારો છે.
ઝેલેન્સ્કીનનાં આ વિધાનોને અસ્વીકાર્ય ગણતાં ટ્રમ્પે તે સૂચન જ ફગાવી દીધું હતું. સાથે તેમ પણ કહ્યું હતું કે રશિયન નેતા સાથે અમેરિકાને ઘણા સારા સંબંધો છે. આમ છતાં યુક્રેન યુદ્ધમાં ૩૧,૦૦૦ લોકોનાં જેમાં મોટા ભાગના તો સૈનિકો હતા થયેલાં મૃત્યુ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. સાથે કહ્યું હતું કે રશિયાનું અર્થતંત્ર બરોબર ચાલતું નથી. મને લાગે છે કે તેઓ કૈં માર્ગ શોધશે જ. તે બને તેટલો વહેલો મળી આવે તેવી હું આશા રાખું છું. પ્રમુખે વધુમાં કહ્યું હતું કે મેં આઠ યુદ્ધો તો શમાવ્યાં છે. પરંતુ તે (યુક્રેન) યુદ્ધમાંથી માર્ગ શોધવો ઘણો મુશ્કેલ છે.
તે સર્વવિદિત છે કે અમેરિકાએ મધરાતે કાર્યવાહી હાથ ધરી વેનેઝૂએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની ડેલ્સી રોડ્રીગ્સની ધરપકડ કરી. તેઓને ન્યૂયોર્ક લઇ જઈ ન્યૂયોર્કની કોર્ટમાં તેમની ઉપર કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ પુતિન અંગે તેમણે (ટ્રમ્પે) આપેલો ઉત્તર સ્પષ્ટ કરે છે કે બલિદાન બકરીનું અપાય છે, વાઘનું અપાયું હોવાનું સાંભળ્યું નથી. તેવો કટાક્ષ કેટલાક નિરીક્ષકો કરી રહ્યા છે.



