પતંગરસિયાઓ ખુશખુશાલ: ઉત્તરાયણ અને તેના પછીના દિવસે પવન રહેશે અનુકૂળ, જાણીલો આગાહી | Uttarayan Wind Forecast Meteorological Department Ambalal Patel

![]()
Uttarayan Wind Forecast: ઉત્તરાયણને આડે હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણમાં સાનુકૂળ પવન રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે કડકડતી ઠંડી રંગમાં ભંગ પાડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, હાલ રાજ્યમાં 12 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 તી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમુક સમયે વધારે પવન હોય ત્યારે 22 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહત્વનું છે કે 10 કિમી પ્રતિ કલાકથી પવનની ગતિ વધુ હોય તો પતંગ ચગાવવા અનુકૂળ માનવામાં આવે છે. 20 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન હોય તો પતંગ ચગાવવા મુશ્કેલી પડે છે.
14-15 જાન્યુઆરીએ સારો રહેશે પવન
હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે સવારના સમયે પવન શાંત હશે, જેમ જેમ દિવસ આગળ વધશે તેમ પવનની ગતિ વધશે, બપોર પછી પતંગ ચગાવવા પવન એકદમ યોગ્ય હશે. જેથી પતંગપ્રેમીઓ આખો દિવસ આનંદ લઈ શકશે. વાસી ઉત્તરાયણ એટલે કે 15 જાન્યુઆરીના દિવસે પણ પવન સારો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં દસ દિવસ તારીખ 12 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026 સુધી નીચે દર્શાવેલા 9 પોઈન્ટમાં સમાવેશ થતી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
-કોઇ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા/ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા નહીં.
-આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડી શકાશે.
-આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડી શકાશે નહીં.
-શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબૂઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા પર પ્રતિબંધ
-રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલીફોન/ઇલેક્ટ્રીકના બે તાર (વાયરો) ભેગા થવાની શોર્ટ સર્કિટના કારણે તાર તુટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતાં હોય છે, જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રીકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ ધાતુના તાર લંગર(દોરી) નાખવા પર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા પર પ્રતિબંધ
-જાહેર માર્ગો ઉપર કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા ઉપર અને આમ-જનતા દ્વારા આ ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયો/ પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઉભો કરી શકાશે નહીં.
-પ્લાસ્ટિક/પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિક મટીરીયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ
-દિવાળી તેમજ ઉતરાયણના તહેવાર દરમ્યાન ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા પર પ્રતિબંધ
-ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાતા ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરી / ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદ તેમજ વેચાણ કરવા પર પ્રતિબંધ
કરુણા અભિયાન શરૂ
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને કરુણા એમ્બ્યુલન્સ દ્વારા દર વર્ષે 1 થી 20 જાન્યુઆરી દરમિયાન “કરુણા અભિયાન” ચલાવવામાં આવે છે. ઘાયલ પક્ષી કે પ્રાણીઓને બચાવવા 1962 હેલ્પલાઇન પર કરો કોલ કરી શકો છો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જિલ્લાઓમાં પતંગ ઉડાવવાની ભારે પ્રવૃત્તિના કારણે કેસ વધુ નોંધવવાની શક્યતા છે, ત્યારે ઉત્તરાયણ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 86 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત કરાશે.
નાગરિકોને અપીલ
• પર્યાવરણમૈત્રી અને સુરક્ષિત પતંગના દોરાનો ઉપયોગ કરવો
• કોઈપણ ઇજાગ્રસ્ત પક્ષી અથવા પ્રાણી જોવા મળે તો તાત્કાલિક 1962 પર ફોન કરવો
• તહેવાર દરમિયાન બચાવ ટીમોને સહકાર અને સંવેદનશીલતા દર્શાવી


