ઉગ્ર આંદોલનો વચ્ચે ઈરાનમાં પરિસ્થિતિ ગંભીર, પૂર્વ પ્રિન્સે કહ્યું- શહેરો પર કબજો કરી ટ્રાન્સપોર્ટ ઠપ કરો | Mass Protests Rock Iran as Calls Grow to Remove Supreme Leader Khamenei

![]()
Reza Pahlavi Urges Nationwide Uprising : ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે. જેમાં અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. લોકો ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈને પદથી હટાવવાની માંગ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે. એવામાં ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ અપીલ કરી છે કે લોકોએ હવે શહેરના મુખ્ય સ્થળો પર કબજો કરી લેવો જોઈએ.
પહેલવીએ શનિવારે કહ્યું, કે આપણું લક્ષ્ય માત્ર રસ્તા પર ઊતરવું નથી. શહેરોના પ્રમુખ કેન્દ્રો પર કબજો કરી લો. દેશભરમાં મોટી સંખ્યામાં આંદોલન તેજ કરવું જોઈએ તેથી વર્તમાન સત્તાધીશો પર દબાણ વધારી શકાય. અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા કર્મચારીઓએ હડતાળ પર ઉતરી જવું જોઈએ. ટ્રાન્સપોર્ટ, ઓઇલ, ગેસ સહિતના સેક્ટરના કર્મચારી કામ બંધ કરી દેશે તો સરકાર ઘૂંટણીયે આવી જશે. પહેલવીએ આંતરરાષ્ટ્રીય સમર્થનની પણ માંગ કરી છે. તથા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
નોંધનીય છે કે ઈરાનમાં દિવસેને દિવસે આંદોલન ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે 10મી જાન્યુઆરીએ જ તેહરાન શહેરમાં 217 લોકોના મોત થયા છે. જ્યારે 180 શહેરોમાં 2300થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
ઈરાનમાં રાજાને ‘શાહ’ કહેવામાં આવતા હતા
1925-1941: રઝા શાહ પહેલવી
ઈરાનમાં આધુનિક રાજાશાહીનો યુગ વર્ષ 1925માં શરુ થયો હતો. રઝા શાહ પહેલવીએ ‘પર્શિયા’નું નામ બદલીને ‘ઈરાન’ રાખ્યું.
1941-1979: મોહમ્મદ રઝા શાહ પહેલવી
તેઓ રઝા શાહ પહેલવીના પુત્ર હતા. ધાર્મિક નેતાઓ તેમના પશ્ચિમી વિચારોથી નારાજ રહેતા હતા.
16 જાન્યુઆરી, 1979: ઇસ્લામિક ક્રાંતિ
વધતા વિરોધ પ્રદર્શનોને કારણે રાજા ઈરાન છોડીને ભાગી ગયા. 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો.
ઈરાનને સત્તાવાર રીતે ‘ઇસ્લામિક રિપબ્લિક’ જાહેર કરવામાં આવ્યું
1979-1989 : આયાતુલ્લા રુહોલ્લા ખોમેની(પ્રથમ સુપ્રીમ લીડર)નું શાસન રહ્યું. તેમના શાસનમાં ઈરાન-ઈરાક યુદ્ધ થયું.
1989-વર્તમાન : આયાતોલ્લાહ ખામેનેઈ
ખોમેનીના અવસાન બાદ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા અને ત્યારથી જ તેઓ ઈરાનના શાસક છે.
ઈરાનમાં રાષ્ટ્રપતિ જનતા દ્વારા ચૂંટાય છે, પરંતુ તેઓ સુપ્રીમ લીડરની આજ્ઞા અનુસાર શાસન કરે છે.



