गुजरात

અમદાવાદ: જ્વેલરી શોપમાં નકલી દાગીના પધરાવી અસલી ચોરતી મહિલા ઝડપાઈ, રૂ.2.90 લાખનો મુદ્દામાલ મળ્યો | Naroda Police Arrested Woman for Swapping Real Gold with Fake Ornaments in Ahmedabad


Ahmedabad News : અમદાવાદ શહેરના નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપને નિશાન બનાવતી એક 45 વર્ષીય મહિલાની નરોડા પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલી મહિલા પાસેથી પોલીસે રૂ.2.90 લાખની કિંમતના સોનાના કિંમતી દાગીના કબજે કરીને ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

અમદાવાદ: જ્વેલરી શોપમાં નકલી દાગીના પધરાવી અસલી ચોરતી મહિલા ઝડપાઈ, રૂ.2.90 લાખનો મુદ્દામાલ મળ્યો 2 - image

કોણ છે આ મહિલા આરોપી?

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલી મહિલાનું નામ પ્રવિણાબેન ઉર્ફે ટીની સોલંકી છે. તે મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અંબાલિયાલા ગામની વતની છે અને હાલ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહે છે. આરોપી મહિલાનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મહિલા સામે અગાઉ વડોદરા, ખેડા અને અમદાવાદમાં છેતરપિંડી અને ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી 

મહિલા આરોપી કોઈપણ જ્વેલરી શોપમાં સામાન્ય ગ્રાહક બનીને જતી હતી. તે દુકાનદાર પાસે સોનાની ઘડિયાળ કે અન્ય દાગીના જોવાનું કહીને તેમને વાતોમાં લેતી હતી. ત્યારબાદ જ્વેલરી શોપના કર્મચારી-માલિકની નજર ચૂકવીને તે અસલી દાગીનાની જગ્યાએ પોતાની પાસે રાખેલા નકલી કે ઈમિટેશન દાગીના મૂકી દેતી અને અસલી દાગીના લઈને રફુચક્કર થઈ જતી હતી.

અમદાવાદ: જ્વેલરી શોપમાં નકલી દાગીના પધરાવી અસલી ચોરતી મહિલા ઝડપાઈ, રૂ.2.90 લાખનો મુદ્દામાલ મળ્યો 3 - image

જાંબલી રંગના ડ્રેસ પરથી મહિલા ઝડપાઈ

નરોડા સ્મશાન ચાર રસ્તા પાસે આવેલી એક જ્વેલરી શોપમાંથી સોનાની ઘડિયાળ ચોરાઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. નરોડા પોલીસે સીસીટીવી અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરી કરનાર મહિલાએ જાંબલી રંગનો ડ્રેસ પહેર્યો છે. આ માહિતીના આધારે પોલીસે તેને શોધી કાઢી કડક પૂછપરછ કરતા તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને ‘હિપ્નોટાઇઝ’ કરી, સોનાના ઘરેણાં લૂંટનાર ઝડપાયો

પોલીસે રૂ.2.90 લાખનો મુદ્દામાલ કર્યો રિકવર 

પોલીસે મહિલાની ધરપકડ બાદ તેની પાસેથી સોનાની બે લગડી, સોનાના બે ઘરેણાં સહિત કુલ 2.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

અમદાવાદ: જ્વેલરી શોપમાં નકલી દાગીના પધરાવી અસલી ચોરતી મહિલા ઝડપાઈ, રૂ.2.90 લાખનો મુદ્દામાલ મળ્યો 4 - image

ચોરી કરનાર મહિલાની ધરપકડથી નરોડા, ઓઢવ અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ એ તપાસ હાથ ધરી છે કે, આરોપી મહિલાએ અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.



Source link

Related Articles

Back to top button