गुजरात

અમદાવાદના પતંગ બજારમાં ‘પંજાબ-બરેલી’નો દબદબો, ભાવમાં 20% વધારો છતાં પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત | Ahmedabad News Uttarayan 2026 Raipur Kite Market Latest Kite and manja Price


Uttarayan 2026: ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પતંગના ભાવમાં ‘ઢીલ’ નહીં, અને લોકોના ઉત્સાહમાં ‘ખેંચ’ નહીં તેવો માહોલ છે. મોંઘવારીમાં પણ લોકોમાં ઉત્તરાયણનો થનગનાટ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદના જાણીતા રાયપુર અને કાલુપુર જેવા પતંગ માર્કેટમાં ખરીદી કરવા લોકોની ભીડ ઊમટી રહી છે. આ વખતે રાયપુર માર્કેટમાં ખંભાત, સુરત ઉપરાંત પંજાબ અને બરેલીની પતંગો લોકો વધુ ખરીદી રહ્યા છે. 

11-12-13 જાન્યુઆરીએ ખરીદીનો માહોલ જામશે

ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે રાયપુરના પતંગ માર્કેટની મુલાકાત લીધી હતી. જેમાં આ વર્ષે પતંગ અને દોરીના ભાવ અને ખરીદી અંગે કેટલાક વેપારીઓ ભાવ સ્થિર હોવાનું જણાવી રહ્યા છે, તો કેટલાક કાચા માલના કારણે 10થી 20 ટકાનો ભાવ વધારો થયો હોવાનું કહી રહ્યા છે. જોકે, વેપારીઓએ એવી આશા છે કે, ઉત્તરાયણ પહેલાના ત્રણ-ચાર દિવસમાં લોકો ખરીદી કરવા ઉમટી પડશે.

નવી પતંગોએ જમાવ્યું આકર્ષણ

મહત્ત્વનું છે કે, આ વર્ષે રાયપુર માર્કેટમાં પતંગોમાં અડધિયા, પોણીયા, આખ્યા અને તવા જેવી મોટી સાઈઝની પતંગોની બોલબાલા છે. આ સિવાય પંજાબની પતંગ, જોધપુરી પતંગ અને બરેલીની ફાઈટર કાઈટ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ભગવાન માટેની પતંગો, સ્વસ્તિક ચિન્હ અને વિશેષ મેટલ તથા પ્લાસ્ટિકની પતંગો પણ બજારમાં ઉપલબ્ધ છે. તે ઉપરાંત મોટાભાગના લોકો ઘસાયેલી દોરીની ખરીદી પણ કરી રહ્યા છે.

જાણો આ વર્ષે શું છે પતંગ દોરીના ભાવ?

અમદાવાદના પતંગ બજારમાં 'પંજાબ-બરેલી'નો દબદબો, ભાવમાં 20% વધારો છતાં પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત 2 - image

ભાવમાં 15થી 20 ટકાનો વધારો: વેપારી નિગમ

વેપારી નિગમ ચોકસીએ જણાવ્યું કે, આ વખતે પતંગ દોરીના ભાવમાં 15થી 20 ટકાનો વધારો છે, જેને લીધે મધ્યમ ઘરાકી છે. પરીક્ષાઓના કારણે કદાચ હજી જોઈએ તેવી ભીડ નીકળી નથી. તો આ વખતે ભગવાન માટેની વિશેષ પતંગો પણ લોકો ખરીદી રહ્યા છે. ભગવાન માટે ખાસ 10થી 120 સુધીની પતંગો અને 7-8 પતંગોવાળા તોરણો પણ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર છે, જે મુખ્યત્વે જમાલપુરના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

પતંગની એક કોડી દીઠ 20થી 30 રૂપિયાનો વધારો

વેપારી ચિરાગભાઈએ જણાવ્યું કે, આ વખતે માર્કેટમાં પંતગ અને દોરીની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારી વેચાઈ રહી છે. સમજદાર ગ્રાહક ક્વોલિટી જોઈને જ ખરીદી કરે છે. ગયા વર્ષની સરખામણીએ પતંગની એક કોડી દીઠ 20થી 30 રૂપિયાનો વધારો થયો છે તેમ છતાં ખરીદીનો ઉત્સાહ જળવાયેલો છે.

અમદાવાદના પતંગ બજારમાં 'પંજાબ-બરેલી'નો દબદબો, ભાવમાં 20% વધારો છતાં પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત 3 - image

એઝા બેગ અને ડ્રેગન લાઈન દોરીની માંગ

પતંગ-દોરીના જથ્થાબંધ અને રિટેલમાં વેપાર કરતા વેપારી હિરલ ચોકસીએ જણાવ્યું કે, આ વખતે પંજાબ, જોધપુર અને બરેલીની પતંગો સૌથી વધુ ચાલી રહી છે. આ પતંગોના કમાન-ઢઢા શેકેલા અને પ્રોપર ફિટિંગવાળા હોય છે. દોરીમાં પણ બરેલીના કારીગરોએ તૈયાર કરેલી દોરી જેવી કે એઝા બેગ અને ડ્રેગન લાઈનની માંગ વધુ છે. આ વખતે એવરેજ 10 ટકા જેવો ભાવ વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને ‘હિપ્નોટાઇઝ’ કરી, સોનાના ઘરેણાં લૂંટનાર ઝડપાયો

હાલમાં ઘરાકી સારી: વેપારી

રાયપુર માર્કેટમાં પતંગ-દોરીના વેપારી ચાંદની મોદીએ જણાવ્યું કે, આ વર્ષે ગયા વર્ષ જેટલા જ ભાવ છે. ખરીદીનો ખરો માહોલ હવે ઉત્તરાયણના ત્રણ-ચાર દિવસ પહેલાં જામશે એવી આશા છે. હાલમાં પણ ઘરાકી સારી છે. ખાસ વાત એ છે કે આ વર્ષે ભાવમાં કોઈ મોટો વધારો થયો નથી, રેટ ગત વર્ષ જેવા જ છે. ગ્રાહકો તૈયાર ફિરકી અને રીલ બંનેની ખરીદી કરી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button