‘મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી…’, રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન? | Bihar Politics: Rohini Acharya’s Cryptic Post Hints at RJD Family Infighting

![]()
Bihar Politics: બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના રકાસ બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ભંગાણના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ કોઈનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પર એક અત્યંત આકરી પોસ્ટ કરી છે, જેને તેમના નાના ભાઈ તેજસ્વી યાદવ પરનો સીધો પ્રહાર માનવામાં આવે છે.
લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યના પ્રહાર
અહેવાલો અનુસાર, રોહિણીએ પોતાની પોસ્ટમાં પરિવાર અને રાજકીય વારસાના વિનાશ અંગે ગંભીર વાતો લખી છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ‘મહાન વારસાને ભૂંસી કાઢવા માટે બહારના લોકોની જરૂર નથી, પરંતુ પોતાના લોકો જ પૂરતા છે. ઘમંડ અને ખોટી સલાહ પરિવારના કેટલાક લોકોને તે ઓળખનો નાશ કરવા દબાણ કરી રહી છે જેણે તેમને અસ્તિત્વ આપ્યું હતું.’
રોહિણી આચાર્યએ ચેતવણી આપી હતી કે જ્યારે તર્ક વાદળછાયું બને છે અને અહંકાર કબજે કરે છે, ત્યારે વિનાશક શક્તિઓ વ્યક્તિના વિચારો અને નિર્ણયો પર નિયંત્રણ મેળવે છે.
આ પણ વાંચો: નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા
ચૂંટણીમાં RJDની કારમી હાર અને વિવાદનું મૂળ
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ RJD અને તેજસ્વી યાદવના નેતૃત્વ પર સવાલો ઊભા કર્યાં છે. RJDએ 140થી વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેને માત્ર 25 બેઠકો જ મળી છે. બીજી તરફ NDA ગઠબંધને 200 થી વધુ બેઠકો જીતી છે, જેમાં ભાજપને 89 અને જેડીયુને 85 બેઠકો મળી છે. કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જ્યારે પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી ખાતું પણ ખોલાવી શકી નથી.
તેજસ્વી પર ગંભીર આક્ષેપો અને સંબંધ વિચ્છેદ
ચૂંટણીના પરિણામો બાદ રોહિણી આચાર્યએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી લાલુ પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે. રોહિણીએ આરોપ લગાવ્યો છે કે તેજસ્વી યાદવ અને સાંસદ સંજય યાદવે તેનું અપમાન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, તેજસ્વી યાદવે તેને ચંપલથી મારવાની ધમકી આપી હતી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદે બિહારના રાજકારણમાં અને લાલુ યાદવના ગઢ ગણાતા RJDમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે લાલુ પ્રસાદ યાદવ આ પારિવારિક યુદ્ધને શાંત પાડવામાં સફળ રહે છે કે કેમ.


