કેન્દ્રના મૌન બદલ 27 જાન્યુઆરીએ બેન્કોની હડતાળ, અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે રાખવાની માગણી | bank strike january 27 five day work week demand

5 Day Work Week Bank Employees Demand: બેન્ક કર્મચારીઓ દ્વારા પાંચ દિવસનું કાર્યસપ્તાહ કરવાની માંગણી બાબતે કેન્દ્ર સરકાર છેલ્લા દસ વર્ષથી મૌન સેવી રહી છે. આ વલણના વિરોધમાં આગામી 27મી જાન્યુઆરીએ બેન્ક કર્મચારીઓએ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. જોકે બેન્ક મેનેજમેન્ટ આ પ્રસ્તાવ પર સહમત થઈ ગયું છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી મંજૂરી ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવશે.
રજાના બદલામાં રોજ 40 મિનિટ વધુ કામ કરવા બેન્ક કર્મચારીઓ સંમત
ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના મહામંત્રીના જણાવ્યા અનુસાર, જો શનિવારે રજા આપવામાં આવે તો બેન્કના કર્મચારીઓ બાકીના પાંચ દિવસ દરમિયાન રોજની 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર છે, જેથી બેન્કિંગ કામકાજ પર કોઈ વિપરીત અસર ન પડે. વધુમાં, ડિજિટલ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ વધવાને કારણે બેન્ક શાખાની પ્રત્યક્ષ મુલાકાત લેતા ગ્રાહકોની સંખ્યામાં 70 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. આથી, બદલાતા સમય અને ટેકનોલોજીના પ્રસારને જોતા પાંચ દિવસનું કાર્યસપ્તાહ વ્યવહારુ હોવાનું એસોસિયેશનનું માનવું છે.
ડિજિટલ સાક્ષરતાનો અભાવ
સામે પક્ષે, સરકાર તરફથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) મેળવનારા નાના ખાતેદારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે બેન્ક કર્મચારીઓ પર કામનું ભારણ વધ્યું છે. તેની સરખામણીએ બેન્કમાં સ્ટાફની સંખ્યા સતત ઘટી રહી છે. આ નાના ખાતેદારોમાં બેન્કિંગ પ્રત્યે પૂરતી જાગૃતિ ન હોવાથી અને તેમને ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ આવડતો ન હોવાથી, કર્મચારીઓએ તેમની નાની-નાની કામગીરીમાં મદદ કરવી પડે છે. બેન્ક કર્મચારીઓને ચેકની સ્લીપ ભરી આપવાથી માંડીને પાસબુક મશીનમાં એન્ટ્રી કરી આપવા જેવા કાર્યો પણ કરવા પડે છે.
સરકારની અંદાજે 30 જેટલી યોજનાઓના નાણાં સીધા ખાતામાં જમા થાય છે અને ખાતેદારો રકમ જમા થતાની સાથે જ તેનો ઉપાડ કરી લે છે. પરિણામે, બેન્કને આ નાણાંથી આર્થિક રીતે મોટો લાભ થતો નથી, પરંતુ વહીવટી કામગીરીમાં ખાસ્સો વધારો થાય છે.
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો
બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી
બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.
નવા લેબર કોડ સામે બેન્ક કર્મચારીઓ અને શ્રમિકોનો મોરચો
કેન્દ્ર સરકારના નવા લેબર કોડના વિરોધમાં આગામી 12મી ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ અને શ્રમિક સંગઠનોએ હડતાલનું એલાન આપ્યું છે. સરકાર દ્વારા શ્રમિકોના જૂના 29 કાયદાઓ રદ કરી તેને સ્થાને નવા કાયદા દાખલ કરવાના નિર્ણય સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નવા શ્રમિક કાયદામાં કર્મચારીઓ પાસે રોજના 12 કલાક કામ લેવાની જોગવાઈ અને મહિલા કર્મચારીઓને રાત્રિ પાળીમાં બોલાવવા અંગેના નિયમોનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત, ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ હેઠળ માલિકોને વધુ સત્તા આપતા નિયમ મુજબ, 300થી વધુ કર્મચારીઓ ધરાવતા એકમોમાં પણ સરકારી મંજૂરી વિના કર્મચારીઓને છૂટા કરવાની જોગવાઈ સામે સંગઠનોએ આક્રમક વલણ અપનાવ્યું છે.




