નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who demanded Bharat Ratna for Nitish Kumar expelled from JDU

![]()
Nitish Kumar Bharat ratna K C tyagi News : જેડીયુના સૂત્રોના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ નેતા કેસી ત્યાગીનો પાર્ટીમાં અધ્યાય હવે સમાપ્ત થઈ ગયો છે. પાર્ટીના પ્રવક્તા રાજીવ રંજનના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે જેડીયુનો હવે કે.સી. ત્યાગી સાથે કોઈ સંબંધ નથી. સૂત્રોનું માનીએ તો, પાર્ટીમાંથી તેમની વિદાય થઈ ચૂકી છે.
શું કહ્યું જેડીયુ પ્રવક્તાએ?
જોકે, તેમના જૂના સંબંધોને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ ઔપચારિક કાર્યવાહી કરવામાં આવશે નહીં. રાજીવ રંજને કહ્યું હતું કે ભારત રત્નને લઈને ત્યાગીનું નિવેદન તેમનો અંગત અભિપ્રાય છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એ પણ ઉમેર્યું કે, “ત્યાગીનો જેડીયુના મામલાઓ સાથે હવે વધુ સંબંધ નથી. તેઓ પાર્ટીમાં છે પણ કે નહીં, તે કાર્યકર્તાઓને પણ ખબર નથી.”
વિવાદો વચ્ચે ડેમેજ કન્ટ્રોલ?
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેસી ત્યાગીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર માટે ભારત રત્નની માંગ કરી હતી. રાજકીય વર્તુળોમાં આ પગલાને “ડેમેજ કંટ્રોલ” તરીકે જોવામાં આવી રહ્યું હતું, કારણ કે તાજેતરમાં ત્યાગી ઘણા વિવાદોમાં રહ્યા હતા અને તેમના નિવેદનોથી પાર્ટી નારાજ હતી. હવે, પાર્ટી પ્રવક્તાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટીએ ત્યાગીથી દૂરી બનાવી લીધી છે.
મામલો શું હતો?
ઉલ્લેખનીય છે કે જનતા દળ (યુનાઈટેડ) ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ આપવાની માંગ કરી હતી. ત્યાગીએ પોતાના પત્રમાં નીતીશ કુમારને સમાજવાદી આંદોલનના ‘અનમોલ રત્ન’ ગણાવતા ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ આ સન્માન માટે સંપૂર્ણ રીતે લાયક છે. તેમણે ભૂતકાળમાં ચૌધરી ચરણ સિંહ અને કપૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવા બદલ વડાપ્રધાનના પ્રયાસોની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે જે રીતે અન્ય નાયકોને જીવિત હોવા છતાં આ સન્માન મળ્યું છે, તેવી જ રીતે કરોડો લોકોની લાગણીને માન આપીને નીતીશ કુમારને પણ આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કરવામાં આવે.



