અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો | Ahmedabad Schools Face Action as Fee Revision Committee Rejects Fee Increase

![]()
Ahmedabad Schools Fees: સરકારે સ્કૂલ ફી કાયદા અંતર્ગત રચેલી નવી કમિટીઓ ઉપરાંત ફી રિવિઝન કમિટી દ્વારા પણ સ્કૂલો સામે કડકાઈ નિર્ણય લેવાતા અને ગેરરીતિઓને ન ચલાવી લેવાતા સપાટો બોલાવવામા આવ્યો છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ બાદ વધુ ત્રણથી ચાર મોટી ખાનગી સ્કૂલોની ફી રિવિઝન અપીલ ફી રિવિઝન કમિટી દ્વારા ફગાવી દેવામા આવી છે. જેમાં ઝાયડસ સ્કૂલ ફોર એક્સલેન્સ, તપોવન સ્કૂલ અને સાકાર સહિતની સ્કૂલોનો સમાવેશ થાય છે. આ સ્કૂલોએ 2024-25માં માંગેલી ફી કરતા અમદાવાદ ઝોનની ફી કમિટીએ ઓછી ફી મંજૂર કરી હતી અને જેની સામે સ્કૂલો રિવિઝન કમિટીમાં ગઈ હતી. પરંતુ સુનાવણીમાં-ડોક્યુમેન્ટમાં કેટલીક ગેરરીતિઓ-ખામીઓ ધ્યાને આવતા અપીલો ફગાવી દેવાઈ છે.
સ્કૂલોએ ફી પરત કરવી પડશે
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટી સમક્ષ વેજલપુરની ઝાડયસ સ્કૂલ ફોર એક્સલેન્સે પ્રી પ્રામયરીથી 12 સાયન્સ સુધીના વર્ગોમાં 73325થી 96970 રૂપિયા ફી માંગી હતી. જની સામે ફી કમિટીએ 2024-25 માટે 51266થી 66150 પ્રોવિઝનલ ફી નક્કી કરાઈ હતી. ત્યારબાદ વાંધા અરજી પછી ફી કમિટીએ 59800થી 77175 રૂપિયા ફીનો ફાઈનલ ઓર્ડર કર્યો હતો. જ્યારે 2025-26 માટે 6 હજારથી 78200 અને 2026-27 માટે 62 હજારથી 79200 રૂપિયા ફી નક્કી કરાઈ હતી. પરંતુ માંગ્યા મુજબની ફી ન મળતા સ્કૂલે રિવિઝન કમિટીમાં અપીલ કરી હતી. જેમાં રિવિઝન કમિટીના ઓર્ડર મુજબ સ્કૂલે રજૂ કરેલા કેટલાક ખર્ચા યોગ્ય ન હતા. તેમજ 10 નોન ક્વોલિફાઈડ ટીચર્સ પણ રખાયા હતા અને જેનો પગારને ખર્ચ ગણાવ્યો હતો.
આ પણ વાંચો: હની ટ્રેપથી સાવધાન : અમદાવાદના બિલ્ડરને ફસાવી ખંડણી માગનારા પત્રકાર-યુવતી ઝડપાયા
આ સ્કૂલમાં 1093 વિદ્યાર્થી હોય અને ખર્ચ મુજબ 47321 રૂપિયા ફી રાખી શકાય તેવુ નોંધ્યુ હતુ. આમ સુનાવણી અને ડોક્યુમેન્ટ ચકાસણી બાદ રિવિઝન કમિટીએ ઝાડયસ સ્કૂલની અપીલ અરજી ફગાવી દીધી છે અને ઝોનની કમિટીએ નક્કી કરેલી ફીને જ યોગ્ય ઠેરવી છે. આ ઉપરાંત ચાંદખેડાની સાકાર સ્કૂલ અને નારણપુરાના તપોવન સ્કૂલની પણ રિવિઝન એપ્લિકેશનો સરકારની ફી રિવિઝન કમિટીએ ફગાવી દીધી છે.
તપોવન સ્કૂલમાં 2024-25 માટે પ્રી પ્રાયમરીથી સેકન્ડરી સુધીમાં 34500થી 46 હજાર અને સાકાર સ્કૂલમાં 30870થી 46830 રૂપિયા સુધીની ફાઈનલ ફી નક્કી કરાઈ હતી. જ્યારે તપોવન સ્કૂલે 64582થી 74830 રૂપિયા ફી માંગી હતી. જ્યારે સાકાર સીબીએસઈ સ્કૂલે 49 હજારથી 62500 રૂપિયા સુધીની ફી માંગી હતી. આમ તપોવન સ્કૂલની માંગ્યા કરતા 27275 એન ઝાડયસની 13667 તથા સાકાર સ્કૂલની 17 હજાર જેટલી ઓછી ફી મંજૂર થઈ છે. જે હવે ફાઈનલ રહેલા અને અપીલો ફગાવાતા આ સ્કૂલોએ જો ગત વર્ષે માંગ્યા મુજબની વધુ ફી ઉઘરાવી હશે તો કરોડો રૂપિયાની ફી પરત કરવી પડશે. સાકાર સ્કૂલમાં 1600થી વધુ અને તપોવનમાં 944 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રિવિઝન કમિટીએ એ પણ ઓર્ડરમાં નોંધ્યું છે કે જો ઝોન કમિટી દંડ કરે તો પણ લાગુ થઈ શકે છે.



