થાનના ખાખરાળીમાં ગેરકાયદે કોલસાના બે કૂવા ઝડપાયા | Two illegal coal wells seized in Khakhrali Thane

![]()
– ચોટીલા ડે. કલેકટર, થાન મામલતદારના ચેકિંગમાં
– દરોડા દરમિયાન કૂવા ચાલું હાલતમાં મળી આવ્યા : સ્થળ પરથી 70 ટન કોલસો જપ્ત
થાન : ચોટીલા ડે. કલેકટર અને થાન મામલતદારના સંયુક્ત ચેંકિંગમાં થાનના ખાખરાળીમાંથી કોલસાના બે કૂવામાંથી ગેરકાયદે ખનન ઝડપાયું છે. તંત્રની ટીમે સ્થળ પરથી ૭૦ ટન કોલસાનો જથ્થો સહિત અંદાજે બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
થાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં કાર્બોેસેલ સહિતની ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરીયાદોને ધ્યાને લઇને ચોટીલા ડેપ્યુટી કલેકટર અને થાન મામલતદારની સંયુક્ત ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન થાનના ખાખરાળી ગામે ગેરકાયદે કોલસાના ખનન અંગે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા બે કૂવા ચાલું હાલતમાં મળી આવ્યા હતા. તંત્રની સયુક્ત ટીમે સ્થળ પરથી અંદાજે ૭૦ ટન કોલસાનો જથ્થો, ૦૧ ચરખી સહિત અંદાજે ૦૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ ગેરકાયદેસર ખોદકામ કોણે કર્યું છે ? તેની વિસ્તૃત તપાસ હાથ ધરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.



