ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increased by 25 to 30 percent and ropes by 15 percent during the current year

![]()
– નવાબી નગર ખંભાતના બજારોમાં ધીમે ધીમે પતંગ રસિયાઓની ભીડ જામી રહી છે
– પતંગની કમાન બનાવવા આસામથી લાકડાની આયાત કરાય છે, પરંતુ આસામમાં પુર આવતા લાકડાની અછત હોવાથી પતંગના ભાવ ઉંચા ગયા
આણંદ : અબાલ વૃદ્ધ સૌ કોઈને અતિ પ્રિય એવા ઉતરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આણંદ જિલ્લાના બજારોમાં પતંગ દોરીની હાટડીઓ મંડાઈ ચૂકી છે. ચાલુ વર્ષે પતંગોમાં ૨૫થી ૩૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. જ્યારે દોરીમાં ૧૫ ટકાનો ભાવ વધારો હોવા છતાં પતંગ રસિયાઓ દ્વારા ચાલુ વર્ષે ૧૦ દિવસ પહેલાથી જ પતંગ દોરીની ખરીદી શરૂ કરી દેવામાં આવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. નવાબી નગર ખંભાત પતંગ માટે જાણીતું છે, ત્યારે ખંભાતના બજારોમાં પણ ધીમે ધીમે પતંગ રસિયાઓની ભીડ જામી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોેથી વિવિધ પર્વોેની જેમ ઉતરાયણ પર્વમાં પણ અંતિમ દિવસોમાં જ ખરીદી નીકળતી હતી. જોકે ચાલુ વર્ષે પતંગ રસિયાઓનો મિજાજ બદલાયેલો જોવા મળે છે. આણંદ જિલ્લાના પતંગના વેપારીઓના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ઉત્તરાયણ પર્વનો ઉત્સવ પર્વના દસ દિવસ અગાઉ જ જોવા મળ્યો છે અને છેલ્લી ઘડીની નાશભાગથી બચવા માટે પતંગ રશિયાઓ દ્વારા દસ દિવસ પહેલાથી જ પતંગ દોરીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પતંગોમાં ખંભાતી તથા જયપુરી પતંગની ભારે બોલબાલા છે, તો બીજી તરફ ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવાથી હવે પતંગ રશિયાઓ કોટન માંઝા તરફ વળ્યા છે. દોરીમાં ચાલુ વર્ષે બરેલીની દોરીની માંગ વધુ જોવા મળી છે. સાથે સાથે ઓલ ટાઈમ ફેવરેટ સુરતી માંઝાની પણ માંગ યથાવત્ રહી છે. દસ દિવસ પહેલાથી જ આણંદ જિલ્લાના આકાશમાં ઉડતી પતંગો જોવા મળી રહી છે પતંગ રસીકો દ્વારા હાલ પતંગોની ખરીદી તથા માંજો પીવડાવવાની તૈયારીઓ પૂરજોશમાં આરંભવી દેવાય છે. પતંગ-દોરીના વેપારીઓ દ્વારા જયપુરી તથા ખંભાતી સહિત વિવિધ પ્રકારની નીત નવી પતંગો બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે. પતંગોની સાથે સાથે પર્વને અનુરૂપ વિવિધ પ્રકારના માસ્ક ટોપી, પીપૂડા, ચશ્મા સહિતની વસ્તુઓ પણ બજારમાં જોવા મળી રહી છે.
પતંગ રશિયાઓ માટે બરેલી દોરી હોટ ફેવરિટ, સુરતી માંઝાની પણ ડિમાન્ડ
આણંદના સીઝનલ વેપારી બંટી ભાઈના જણાવ્યા મુજબ, ચાઈનીઝ દોરી માનવજાત અને પશુ પક્ષી માટે અત્યંત ઘાતક હોવાથી અને સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે સરકારના પ્રયત્નોે સફળ રહ્યાં હોવાનું જોવા મળ્યું છે અને ચાઈનીઝ દોરીનો ક્રેઝ ઘટયો છે અને પતંગ રશિયાઓ કોટન માંઝા તરફ વળ્યા છે. આકાશી યુદ્ધ માટે પતંગ રસિયાઓ માટે બરેલીની દોરી હોટ ફેવરિટ છે સાથે સાથે સુરતી માંઝાની પણ ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે.
ચાલુ વર્ષે લાકડાની અછતને લઈ પ્લાસ્ટિકની કમાનનો પણ ઉપયોગ
ચાલુ વર્ષે વિવિધ પ્રકારની પતંગોની કિંમતમાં ૨૫થી ૩૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. પતંગ બનાવવા માટે ખાસ પ્રકારની કમાનનો ઉપયોગ થાય છે. પતંગની કમાન બનાવવા માટે આસામથી લાકડાની આયાત કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે આસામમાં પુર આવતા લાકડાની અછત છે અને આ અછતને લઈ પતંગના ભાવ ઉંચા ગયા છે. ચાલુ વર્ષે લાકડાની અછતને લઈ પ્લાસ્ટિકની કમાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે સાથે કાગળ પણ મોંઘો હોય તેની સીધી અસર પતંગની કિંમત ઉપર પડી છે. તો બીજી તરફ દોરીમાં પણ ૧૫ ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.
પતંગની વેરાયટી કોડી દીઠ ભાવ
જયપુરી…….૨૦૦થી ૪૦૦
ખંભાતી….૧૨૦થી ૪૦૦
નડિયાદી ચીલ..૧૦૦થી ૨૦૦
અમદાવાદી ચીલ..૧૨૦થી ૨૫૦
બરોડા ચક્કી…૧૫૦થી ૩૫૦
મેટલ..૧૫૦થી ૨૫૦
મટકી ચીલ..૨૦૦થી ૩૫૦
દોરી…..ભાવ ( હજાર વાર)
બરેલી…૨૦૦થી૩૫૦
સુરતી..૨૦૦થી ૪૦૦



