ધ્રાંગધ્રામાં રખડતા શ્વાનનો આતંક 2025 માં 1872 લોકો શિકાર બન્યા | 1872 people became victims of the terror of stray dogs in Dhrangadhra in 2025

![]()
– સરકારી હોસ્પિટલમાં દર મહિને 200 થી વધુ કેસ
– સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપી અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાના આક્ષેપ : લોકોમાં રોષ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં રખડતા શ્વાનની સંખ્યામાં ચિંતાજનક વધારો થતાં નાગરિકોની સુરક્ષા જોખમાઈ છે. સરકારી હોસ્પિટલના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૧૮૭૨ વ્યક્તિઓ ડોગ બાઈટનો ભોગ બની છે. સરેરાશ દર મહિને ૨૦૦ થી ૨૫૦ નાગરિકો શ્વાન કરડવાથી સારવાર માટે આવી રહ્યા છે.
ખાસ કરીને રહેણાંક સોસાયટીઓમાં બાળકો અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પર પસાર થતા ટુ-વ્હીલર ચાલકો પાછળ શ્વાન દોડતા હોવાથી અકસ્માતના બનાવોમાં પણ ધરખમ વધારો થયો છે. વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક તંત્ર કોઈ નક્કર ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે.
જવાબદાર વિભાગના અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપી રખડતા શ્વાનને પકડી શકતા નથી તેમ જણાવી પોતાની જવાબદારીમાંથી છટકતા હોવાના આક્ષેપો ઉઠયા છે. તાજેતરમાં એકતા પાર્ક સોસાયટીમાં ૯ વર્ષની બાળકી પર થયેલા હુમલાએ તંત્રની પોલ ખોલી દીધી છે. હાઈકોર્ટના કડક વલણ છતાં સ્થાનિક સ્તરે રસીકરણ કે ખસીકરણ જેવી કોઈ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો હવે તંત્ર પાસે રખડતા શ્વાનના ત્રાસમાંથી કાયમી મુક્તિની માંગ કરી રહ્યા છે.



