‘કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું..’ સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર | Pal Ambaliya Challenges BKS Over 12 Pending Farmer Demands Gujarat Politics

![]()
Bhartiya Kisan Sangh Protest Postponed : ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની બેઠક બાદ 12 તારીખનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આ મામલે આક્રમક પ્રતિક્રિયા આપતા કિસાન સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, કિસાન સંઘે હંમેશની જેમ ‘કુલડીમાં ગોળ ભાંગી’ને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
‘કુલડીમાં ગોળ ભાંગ્યો, ખેડૂતોને શું મળ્યું?’
પાલભાઈ આંબલિયાએ સીધો સવાલ કર્યો હતો કે, સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સાથે બેસીને કિસાન સંઘે કઈ સમજૂતી કરી છે તે જાહેર કરવામાં આવે. તેમણે કિસાન સંઘને પડકાર ફેંકતા પૂછ્યું કે, “સરકારે કઈ 12 માંગણીઓનો લેખિતમાં સ્વીકાર કર્યો છે? શું ગુજરાતના ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓનું સમાધાન આવી ગયું છે?”
મુખ્ય પ્રશ્નો પર કિસાન સંઘ મૌન કેમ?
આંબલિયાએ ખેડૂતોના પડતર પ્રશ્નોની યાદી રજૂ કરતા પૂછ્યું કે,
શું સરકારે ખામીયુક્ત જમીન માપણી રદ કરવાની ખાતરી આપી છે?
શું ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોને પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવાની છે?
શું વીજ લાઈન પીડિતોને માર્કેટ રેટ કરતા 4 ગણું વળતર આપવાનો હુકમ થયો છે?
શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવાનું છે અથવા MSP (C2 + 50%)નો કાયદો બનવાનો છે?
શું ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંચા લાવવા માટે કોઈ નક્કર યોજના જાહેર કરાઈ છે?
“ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાની પરંપરા”
પાલભાઈએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યારે જ્યારે ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ ઊભો થાય છે, ત્યારે કિસાન સંઘ મેદાનમાં આવીને આક્રોશને શાંત કરી સરકારને મદદ કરવાનું કામ કરે છે. તેમણે પૂછ્યું કે, ખાનગી વીજ કંપનીઓને મદદ કરવાથી ભારતીય કિસાન સંઘને કેટલો અને કેવો ફાયદો થયો છે? ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવું એ કિસાન સંઘની પરંપરા રહી છે તેવો આક્ષેપ પણ આંબલિયા લગાવ્યો છે.
ખેડૂતોમાં રોષની લાગણી
નકલી દવા, ખાતર અને બિયારણના વેચાણ તેમજ ખાતર સાથે નેનો યુરિયાના ફરજિયાત ડબલા પધરાવવાની નીતિ સામે પણ કોઈ ઉકેલ ન આવતા ખેડૂત નેતાએ રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલન સમેટી લેવાના નિર્ણયથી સોશિયલ મીડિયા અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.



