ગોધરા: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી; 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ | Govind Guru University Result Scam: 11 000 Answer Sheets Returned Without Evaluation in Godhra

![]()
Controversy at GGU Godhra: પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) માંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસરોની ગંભીર બેદરકારીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. સેમેસ્ટર-5 ની પરીક્ષા પૂર્ણ થયાના 45 દિવસ બાદ પણ હજુ સુધી પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી, જેની પાછળનું કારણ ઉત્તરવહીઓ તપાસવામાં થયેલી આડોડાઈ હોવાનું બહાર આવ્યું છે.
11,000 ઉત્તરવહીઓ જોયા વગર જ પરત
મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીના વિવિધ પ્રોફેસરોએ અંદાજે 11,000 જેટલી ઉત્તરવહીઓ તપાસ્યા વગર જ યુનિવર્સિટીને પરત મોકલી આપી છે. આ બેદરકારીને કારણે BA, B.Com, BBA, B.Sc અને LLB સહિતના તમામ મુખ્ય અભ્યાસક્રમોના સેમેસ્ટર-5 ના પરિણામો અટવાયા છે.
યુનિવર્સિટીએ અધ્યાપકોને ફટકારી નોટિસ
એક તરફ 45 દિવસ વીતી ગયા હોવા છતાં પરિણામ ન મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટીની આ આંતરિક ખેંચતાણ અને પ્રોફેસરોની બેદરકારીનો ભોગ અમારે કેમ બનવું પડે? તો બીજી તરફ યુનિવર્સિટી પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. કામમાં આળસ અને બેદરકારી દાખવનાર અધ્યાપકોને યુનિવર્સિટી દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પરીક્ષાના પરિણામોમાં વિલંબ થવાની શક્યતાઓ વચ્ચે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. યુનિવર્સિટીના કુલપતિ હરીભાઇ કટારીયાએ ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત આવવાના મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે.
કુલપતિ હરીભાઇ કટારીયાએ જણાવ્યું હતું કે ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલવી તે અધ્યાપકો માટે વ્યાજબી નથી. આ પરીક્ષાનું કાર્ય દરેક અધ્યાપકની જવાબદારી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં અધ્યાપકો માટે વપરાયેલા અમુક અણછાજતા શબ્દોની પણ તેમણે ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે યુનિવર્સિટી હંમેશા અધ્યાપકોને માન આપે છે. અધ્યાપકોએ ઉત્તરવહીઓ કેમ પરત કરી? શું તેઓ રજા પર હતા કે કામનું ભારણ વધી ગયું હતું? તે અંગે યુનિવર્સિટી કારણ જાણવા નોટિસ આપવાની પ્રક્રિયા પણ હાથ ધરી શકે છે.
ચર્ચા દરમિયાન એવી વિગત પણ સામે આવી છે કે ઘણી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજો પાસે પૂરતી લાયકાત ધરાવતા અધ્યાપકો નથી, જેના કારણે સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો પર કામનું ભારણ વધે છે અને આ વિવાદ ઉભો થયો હોય તેવી પ્રાથમિક શક્યતા છે.
આ વિવાદને કારણે પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં થોડો વિલંબ થયો છે. જોકે, કુલપતિએ ખાતરી આપી છે કે અન્ય અધ્યાપકોની મદદથી કામગીરી ચાલુ છે અને આ મહિનાના અંત સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર કરી દેવામાં આવશે.


