સાયલન્ટ હીરો’ઝઃ અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા એક વર્ષમાં 600થી વધુ લોકોનો જીવ બચાવ્યો | Ahmedabad Fire and Emergency Services Perform 3 606 Rescues Save 678 Lives

![]()
Ahmedabad Fire Department: અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ સતત સતર્ક રહીને 24 કલાક માનવજીવનની રક્ષા કરે છે. વર્ષ 2024–25 દરમિયાન ફાયર વિભાગે માત્ર આગ બુઝાવવાની કામગીરી જ નહીં, પરંતુ સંકટમાં ફસાયેલા નાગરિકોને જીવનદાન આપવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. આ સમયગાળા દરમિયાન ફાયર વિભાગે કૂલ 6,441 ઇમરજન્સી કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો, જેમાં 2,835 આગના કેસ તેમજ 3,606 રેસ્ક્યુ ઓપરેશનનો સમાવેશ થાય છે. દરેક કોલ પાછળ કોઈ એક પરિવારની આશા, કોઈ જીવનો સંઘર્ષ અને ફાયર જવાનોની નિષ્ઠાપૂર્વકની ફરજ છુપાયેલી છે.
લોકો માટે દેવદૂત બન્યા જવાનો
આ વ્યાપક કામગીરી દરમિયાન ફાયર વિભાગે 678 લોકોના જીવ બચાવી અનેક પરિવારોને ફરીથી જીવનની ખુશી આપી છે. આગ, અકસ્માત, ઊંચાઈ પરથી પડવાના બનાવો કે પાણીમાં ફસાયેલા નાગરિક હોય, દરેક પરિસ્થિતિમાં ફાયર જવાનોએ પોતાના જીવને જોખમમાં મૂકી બીજાને નવુ જીવન આપ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા, અનેક શાળાઓમાં રજા અપાઈ
નોંધનીય બાબત એ છે કે વર્ષ 2021થી આજ સુધી સાબરમતી નદીમાંથી 271 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, જે ફાયર વિભાગની ચોકસાઈ અને માનવતાભરી કામગીરીનું પ્રતિબિંબ છે. આ આંકડાઓ માત્ર આંકડા નથી, પરંતુ સેંકડો ઘરોમાં ફરી પ્રગટેલી ખુશી, તૂટેલી આશાને મળેલી નવી જિંદગી અને એવા સૈનિકોની નિષ્ઠા દર્શાવે છે, જે કોઈ પ્રશંસાની અપેક્ષા વિના નિઃશબ્દ રીતે સેવા આપે છે.
અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ આજે માત્ર એક વિભાગ નહીં, પરંતુ નાગરિકો માટે વિશ્વાસ અને સુરક્ષાનું મજબૂત કવચ બની ગયું છે, જ્યાં કોઈ પણ જીવ જોખમમાં હોય, ત્યાં ફાયર બ્રિગેડ હંમેશા હાજર હોય છે.



