ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants worth Rs 26 57 lakh from Gosal village

![]()
ગાંજો વેચવા જાય તે પહેલા જ પોલીસ ત્રાટકી
ગાંજાનો જથ્થો, વાહન સહિત રૃ.૩૨.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ એક શખ્સ સામે સાયલ પોલીસ મથકે ફરિયાદ
સાયલા – સાયલા તાલુકામાંથી ફરી ગાંજાની ખેતી ઝડપાઇ છે. ગોસળ ગામની સીમમાંથી રૃ.૨૬.૫૭ લાખના ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપ્યો છે. નશીલા પદાર્થોેનું વેચાણ થાય તે પહેલા પોલીસે દરોડો પાડી ગાંજાના ૨૬ છોડ સહિત રૃ.૩૨.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કયો છે.
સાયલા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોસળ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે ઇન્ચાર્જ પી.આઈ. ચુડાસમા અને તેમની ટીમે ખેતરમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન વાડીમાંથી લીલા ગાંજાના ૨૬ છોડ (રૃ.૨૬,૫૭,૫૦૦) મળી આવ્યા હતા. આરોપી દેવાભાઈ કરસનભાઈ પરમારે આ છોડ ઉખાડીને ટ્રેક્ટરની ટ્રોલીમાં છુપાવ્યા હતા. પોલીસે ટ્રેક્ટર (રૃ.૬ લાખ) અને ગાંજો મળી કુલ રૃ.૩૨,૫૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સાયલાના ધજાળામાંથી ૧૫.૧૮ કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.
સાયલા ગાંજાનું હબ બન્યો? ખેડૂતોમાં વધતું ચલણ ચિંતાનો વિષય
સાયલા પંથક ફરી ગાંજાના વાવેતર ઝડપાતા તાલુકો ગાંજાનું હબ બની રહ્યો છે તેવું પ્રતિત થઇ રહ્યું છે. પરંપરાગત ખેતીના બદલે ખેડૂતો વધુ નફાની લાલચે માદક પદાર્થોેની ખેતી તરફ વળી રહ્યા છે, જે સમાજ માટે જોખમી સંકેત છે. પોલીસે આ દરોડો પાડી નશીલા પદાર્થોેનું વેચાણ થાય તે પહેલા જ તેને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.



