ભડીયાદ-ખજેલી રોડ પર ઇકો પલટી જતાં નોકરીએ જતી 4 યુવતી ઘાયલ | 4 young women on their way to work injured after Eco overturns on Bhadiyad Khajeli road

![]()
રોઝ આડું ઉતરતા અકસ્માત સર્જાયો
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા ઃ ગ્રામ્ય વિસ્તારોમાં પુરતા એસટી રૃટના અભાવે લોકો જોખમી સવારી કરવા મજબૂર
સુરેન્દ્રનગર – વઢવાણ તાલુકાના ભડીયાદ ગામથી સુરેન્દ્રનગર નોકરી માટે જઈ રહેલી ચાર યુવતીઓ ઇકો કારમાં સવાર હતી, ત્યારે ભડીયાદ-ખજેલી રોડ પર અચાનક રોઝ (નીલગાય) આડું ઉતરતા ચાલકે સ્ટીયરિં પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રોઝ સાથે અથડાઈને રોડ પર પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતમાં કારમાં સવાર ભગવતીબેન, મનીષાબેન, ઈલાબેન અને જયશ્રીબેન નામની યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતે ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સેવાઓની વાસ્તવિકતા ફરી છતી કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, એસટી બસની પૂરતી સુવિધા ન હોવાથી નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. ખાનગી વાહન ચાલકો ઘણીવાર વધુ નફાની લાલચે ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા હોય છે, જે અકસ્માતનું મુખ્ય કારણ બને છે. અકસ્માતને પગલે રોડ પર થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને સ્થાનિકોએ હળવો કર્યોે હતો. હાલમાં પોલીસ વિભાગે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને યુવતીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



