નડિયાદના મોકમપુરા ગામે પિતાએ જ પુત્રની હત્યા કરી : પુત્રવધુની સસરા સામે ફરિયાદ | Father kills son in Mokampura of Nadiad: Daughter in law files complaint against father in law

![]()
પારિવારિક કલેશ અને જમીન મામલે ચાલતા વિખવાદની શંકા
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ માથાના ભાગે ૩થી ૪ જેટલા ગંભીર ઘા વાગ્યા હોવાથી મોત થયું હોવાનું સ્પષ્ટ થયું : પોલીસે તપાસ હાથ ધરી
નડિયાદ: નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોકમપુરા ગામે શેઢી નદીના કિનારે પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પારિવારિક અદાવત અને જમીન બાબતે ચાલતા વિખવાદમાં પિતાએ પુત્રના માથામાં ઘાતકી હથિયારના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાના આક્ષેપ સાથે મૃતકની પત્નીએ સસરા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોકમપુરામાં રહેતી તારાબેન ચૌહાણે તેના સસરા પ્રતાપસિંહ ચંદુભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૭ઃ૦૦ વાગ્યે તેમનો પતિ કમલેશભાઈ નદી કિનારે કુદરતી હાજતે જવા નીકળ્યો હતો. તેની પાછળ તેનો પિતા પ્રતાપસિંહ પણ ગયા હતા. થોડી વાર બાદ કમલેશભાઈની બૂમ સંભળાતા પરિવારના સભ્યો ત્યાં દોડી ગયા હતા. તે સમયે સામા મળેલા પ્રતાપસિંહે ‘હું તપાસ કરી આવું છું’ તેમ કહી પરિવાર પાસેથી બેટરી અને લાકડી લઈ લીધી હતી અને તેમને આગળ વધતા અટકાવ્યા હતા.
પ્રતાપસિંહે ગુનો છુપાવવા માટે પુત્રને ચક્કર આવ્યા હોવાનું બહાનું બતાવ્યું હતું અને તેને ખાનગી વાહનમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ કમલેશભાઈનું મોત નીપજ્યું હતું. મૃતકને જ્યારે ઘરે પરત લાવવામાં આવ્યો ત્યારે તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાનું પત્નીના ધ્યાને આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ માથાના ભાગે ૩થી ૪ જેટલા ગંભીર ઘા વાગ્યા હોવાનું અને તેના કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હોવાનું જાણવા મળ્યું છે.
તારાબેનની નાની બહેનના લગ્ન તેના દિયર સાથે થયા હતા, પરંતુ સસરાના ત્રાસને કારણે તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ સસરા પ્રતાપસિંહ તેના પુત્ર કમલેશ અને તારાબેન વચ્ચે પણ છૂટાછેડા કરાવવા દબાણ કરતા હતા, પરંતુ કમલેશે ના પાડતા પિતા તેના પર રોષ રાખતા હતા. આ ઉપરાંત કાકા સસરા સાથે રાખેલા સારા સંબંધો પણ આરોપી પિતાને પસંદ નહોતા.
ઘટના બાદ આરોપી પિતાએ બીજા રસ્તેથી ઘરે આવી પોતાની હાજરી છુપાવવાનો અને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.



