गुजरात

વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen in Vanthwali village: Talati suspended



1979-80માં સિંચાઈ વિભાગ માટે સંપાદિત થયેલી જમીન સરકારી દફતરે ચઢાવવામાં તંત્રની બેદરકારી 

જમીન સંપાદનના ૪૬ વર્ષ બાદ પણ રેકર્ડ પર એન્ટ્રી નહીં પડતા ખેલ ખેલાયો  કેશરાની સરકારી શાળાના શિક્ષક માસ્ટર માઈન્ડ હોવાની ચર્ચા ઃ ૮ સામે ગુનો

નડિયાદ: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે સરકાર હસ્તકની કરોડો રૂપિયાની કિંમતી જમીન બારોબાર વેચાઈ જવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વર્ષ ૧૯૭૯-૮૦માં સિંચાઈ વિભાગ માટે સંપાદિત થયેલી આ જમીન સરકારી દફતરે ચઢાવવામાં તંત્રની ગંભીર બેદરકારી રહેતા મૂળ માલિકોના વારસદારોએ અન્ય વ્યક્તિઓને દસ્તાવેજ કરી આપતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ ફરજમાં બેદરકારી બદલ વાંઠવાળીના તલાટી કમ મંત્રીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

વાંઠવાળી ગામના બ્લોક નંબર ૮૩૬ અને ૮૪૫ વાળી જમીનો વર્ષ ૧૯૭૯માં સિંચાઈ વિભાગની સેક્શન કોલોની બનાવવા માટે વળતર ચૂકવીને સંપાદિત કરવામાં આવી હતી. આ જમીન પર વર્ષોથી સરકારી મકાનો અને કંપાઉન્ડ વોલ પણ અસ્તિત્વમાં હતી. જોકે, સંપાદન થયાના દાયકાઓ બાદ પણ મહેસૂલી રેકર્ડ પર સરકારનું નામ દાખલ કરવામાં આવ્યું નહોતું. આ ક્ષતિનો લાભ ઉઠાવી મૂળ માલિકના વારસદારોએ જમીન પોતાની હોવાનું જણાવી વારસાધારા મુજબ નામ દાખલ કરાવ્યા હતા. ત્યારબાદ આ જમીન અન્ય ખાનગી વ્યક્તિને વેચી દેવા માટે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ પણ કરી દેવાયા હતા. આટલું જ નહીં, જમીન પચાવી પાડવા માટે ત્યાં રહેલા સરકારી જર્જરિત મકાનો અને દીવાલો પણ તોડી પાડી સરકારી મિલકતને આથક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં કેશરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક આશિષ પટેલની ભૂમિકા માસ્ટર માઈન્ડ તરીકેની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે જિલ્લા કલેક્ટરને જાણ થતા એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને તપાસના અંતે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ૮ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા આ જમીન પ્રકરણમાં વાંઠવાળીના તલાટી નીતિન હથિવાલાને કોઈપણ નોટિસ વગર સીધા જ સસ્પેન્ડ કરી દેવામાં આવતા કર્મચારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

– સિંચાઇ-મહેસૂલ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ

વર્ષ ૧૯૭૯માં જમીન સંપાદન થઈ ગઈ હોવા છતાં છેક ૨૦૨૪ સુધી મહેસૂલી રેકર્ડમાં સરકારનું નામ કેમ ન ચઢયું તે એક મોટો પ્રશ્ન છે. સિંચાઈ વિભાગ અને મહેસૂલ વિભાગ વચ્ચેના સંકલનનો અભાવ આ કૌભાંડનું મુખ્ય કારણ બન્યું છે, જેને પગલે ભૂમાફિયાઓને ખુલ્લું મેદાન મળી ગયું હતું.

– પૈસા ચૂકવાયા હોવાના મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટના પુરાવા

સિંચાઈ વિભાગના રેકર્ડ મુજબ, વર્ષ ૧૯૭૮-૭૯માં આ જમીન સંપાદન વખતે ખેડૂતોને પ્રતિ આર.એ. ૩૦થી ૯૦ રૂપિયા લેખે વળતર ચૂકવવામાં આવ્યું હતું. તારીખ ૧૬-૦૩-૧૯૭૮ના રોજ કુલ ૧,૮૭૫ રૂપિયા અને ત્યારબાદ ૧૮-૦૧-૧૯૭૯ના ઓર્ડર મુજબ કુલ ૪,૮૦૩ ચોરસ મીટર જમીન માટે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ દ્વારા નાણાં ચૂકવાયા હતા. આ વળતર મૂળ ખેડૂતોએ રાજીખુશીથી સ્વીકાર્યું હોવાના લેખિત પુરાવા પણ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

– શિક્ષકની શંકાસ્પદ ભૂમિકા

આ જમીન કૌભાંડમાં કેશરા ગામની સરકારી શાળાના શિક્ષક આશિષ પટેલની સંડોવણી મુખ્ય હોવાનું બહાર આવ્યું છે. શિક્ષકે જમીન વેચાણના આ પ્રકરણમાં તેણે પડદા પાછળ રહી તમામ કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસમાં તેની સક્રિય ભૂમિકાને લઈ વધુ વિગતો સામે આવી શકે છે.

– મોટા અજગરોને બચાવવા નાની માછલીઓનો ભોગ લેવાયો ?

વાંઠવાળી જમીન કૌભાંડમાં જે રીતે માત્ર તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક સ્તરે એવી પ્રબળ ચર્ચા છે કે, કરોડોની જમીન જ્યારે બારોબાર વેચાતી હોય ત્યારે માત્ર તલાટી જ નહીં, પરંતુ વારસાઈની નોંધો મંજૂર કરનારા નાયબ મામલતદાર અને મામલતદારની ભૂમિકા પણ અત્યંત શંકાસ્પદ જણાય છે. ઉચ્ચ અધિકારીઓની રહેમનજર વગર આટલું મોટું કૌભાંડ શક્ય નથી, છતાં ‘મોટા અજગરો’ને બચાવવા માટે માત્ર નાની માછલી સમાન તલાટીનો ભોગ લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો એસઆઈટી દ્વારા આ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય ઓથ ધરાવતા મોટા માથાઓના ખેલ ખુલ્લા પડે તેમ છે.

– વર્ક આસિસ્ટન્ટને મળેલી ધમકી અને ખુલાસો

તારીખ ૨૪-૦૪-૨૦૨૫ના રોજ જ્યારે વર્ક આસિસ્ટન્ટ હરિશભાઈ ડાભીએ સ્થળ મુલાકાત લીધી ત્યારે આરોપી જયેશભાઈ મેઘવાલે તેમને અટકાવ્યા હતા. તે સમયે આરોપીએ એવો દાવો કર્યો હતો કે, આ જમીન ખેડૂતોની છે અને નર્મદા વિભાગની માત્ર ૨ ગુંઠા જમીન જ અહીં આવેલી છે. સરકારી કર્મચારીની સૂચનાને અવગણીને આરોપીઓએ મનસ્વી રીતે તમામ મકાનો અને કંપાઉન્ડ વોલ તોડી પાડી સરકારી મિલકત પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો.



Source link

Related Articles

Back to top button