જાહેરમાં ઘાસચારો નહીં વેચી શકાય, ઉત્તરાયણને લઈને અમદાવાદ પોલીસનું 9 મુદ્દાનું જાહેરનામું, 10 દિવસ અમલ ફરજિયાત | Ahmedabad Police notification for 10 days Uttarayan festival Kite Chinese Manja

Uttarayan 2026: ઉત્તરાયણ પર્વ નજીક આવતા અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દસ દિવસ સુધી અનેક વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જાહેરમાં ઘાસચારાનું વેચાણ તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બીજી તરફ ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લોન્ચર,ચાઈનીઝ દોરીના ઉત્પાદન,ખરીદ,વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહીનો આદેશ પર આપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં દસ દિવસ તારીખ 12 જાન્યુઆરી 2026 થી 21 જાન્યુઆરી 2026 સુધી નીચે દર્શાવેલા 9 પોઈન્ટમાં સમાવેશ થતી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
-કોઇ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા/ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા નહીં.
-આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડી શકાશે.
-આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડી શકાશે નહીં.
-શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબૂઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા પર પ્રતિબંધ
-રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલીફોન/ઇલેક્ટ્રીકના બે તાર (વાયરો) ભેગા થવાની શોર્ટ સર્કિટના કારણે તાર તુટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતાં હોય છે, જેથી ટેલીફોન કે ઇલેક્ટ્રીકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ ધાતુના તાર લંગર(દોરી) નાખવા પર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા પર પ્રતિબંધ
-જાહેર માર્ગો ઉપર કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા ઉપર અને આમ-જનતા દ્વારા આ ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયો/ પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઉભો કરી શકાશે નહીં.
-પ્લાસ્ટિક/પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિક મટીરીયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ
-દિવાળી તેમજ ઉતરાયણના તહેવાર દરમ્યાન ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાડવા પર પ્રતિબંધ
-ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાતા ચાઈનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરી / ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદ તેમજ વેચાણ કરવા પર પ્રતિબંધ
પરંપરાગત કોટનના દોરા/માંજાનો ઉપયોગ કરી શકાશે
પતંગ ઉડાવવા/ચગાવવાના હેતુથી ચોખાનો લોટ, મેંદો, છોડ આધારિત, ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેન્સીવની મદદથી કાંચના પાવડરનું કોટીંગ કરેલ ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતી કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલો હોવો જોઈએ.
કેવી દોરી વાપરી શકાશે?
દોરીમાં બાયો-ડીગ્રેડેબલ પદાર્થો હોવા જોઇએ તથા કોટનના દોરા પર કોટીંગ માટેનો કાંચનો પાવડર 10% થી વધુ ન હોવો જોઇએ, જયારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ 30%, મેંદો 36%, કુદરતી ગુંદર અને રંગ 24% કોટેડ સામગ્રીનો હોઇ શકે તથા કાંચનો પાવડર જે કોટીંગ પદાર્થનો 10% હોઇ શકે છે પરંતુ તે કોટનના માંજાના કુલ વજનના 0.5% થી વધુ ના હોવુ જોઇએ તેવો કોટનનો માંજો/દોરી વાપરી શકાશે
જાહેરનામા ભંગ બદલ કાર્યવાહીનો આદેશ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ-223 મુજબ તથા જી.પી.એક્ટ 1951ની કલમ 113, 117, 131 હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
PMની મુલાકાત, અમદાવાદ નો ડ્રોન ફ્લાય ઝોન
પીએમ મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાના કારણોસર અમદાવાદમાં 11 અને 12 જાન્યુઆરી એમ 2 દિવસ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.






