બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand players practice at BCA Stadium

ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમોએ વન ડે સિરીઝ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને ટીમોના ખેલાડીઓએ સઘન નેટ પ્રેક્ટિસ સેશન્સ હાથ ધર્યા છે. કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ સેશન્સમાં પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે ત્યારબાદ ભારતીય ટીમના ખેલાડીઓએ નેટપ્રેક્ટિસ કરી હતી. તો બીજી તરફ ચાહકો રોમાંચક વન ડે સિરીઝ શરૂથવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આગામી મેચને લઈને શહેરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વન ડે ક્રિકેટ શ્રેણી પહેલા બંને ટીમોના ખેલાડીઓએ કોટંબી સ્ટેડિયમે ખાતે પ્રેક્ટિસ શરૂ કરી છે. ટોચના બેટ્સમેનોએ લાંબા સમયસુધી નેટ્સમાં બેટિંગ કરી હતી. બોલરો પણ પોતાની લાઇન-લેન્થ પર ધ્યાન કેન્દ્રિત કરતા નજરે પડ્યા હતા. ફિલ્ડિંગ ડ્રિલ્સ દરમિયાન કેચિંગ અને થ્રોઇંગમાં ચોકસાઈ વધારવા માટે ખાસ અભ્યાસ કરાયો હતો. ન્યૂઝીલેન્ડના બોલરો ભારતીય બેટ્સમેન સામે યોગ્ય રણનીતિ તૈયાર કરવા માટે નેટ્સમાં લાંબો પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ક્રિકેટચાહકો માટે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટક્કર હંમેશા રોમાંચક રહી છે. બંને ટીમો સંતુલિત અને મજબૂત માનવામાં આવે છે, જેના કારણે મુકાબલો રોમાંચક બની શકે છે.

ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓની તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પ્રેક્ટિસ દરમિયાન ગૌતમ ગંભીર શુભનમ ગિલ સાથે ચર્ચા કરતા તો વિરાટ પોતાના અંદાજમાં ઉત્સાહિત નજરે ચડ્યો હતો. જ્યારે રોહિત શર્મા પોતાનું શૂટ શિડ્યુલ પતાવી હોટલ પર પરત ફર્યો હતો. સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરતા ખેલાડીઓને નિહાળવા માટે ચાહકો સ્ટેડિયમ ખાતે પણ ઉમટી પડયા હતા. જો ક મુખ્ય પ્રવેશદ્વાર ખાતે એન્ટ્રી પર રોક લગાવી હોવાથી ચાહકોને વિલા મોઢે પરત ફરવાનો વારો આવતા નિરાશ થયા હતા.
હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા

ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો પ્રેક્ટિસ સેશન માટે હોટલમાંથી બહાર નીકળતા જ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના મનપસંદ સ્ટાર ખેલાડીઓની માત્ર એક ઝલક મેળવવા માટે હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. બસ હોટલમાંથી નીકળતી વખતે ચાહકો ખેલાડીઓના નામો પોકારીને અભિવાદન કરતા અને મોબાઈલમાં તસ્વીરો તથા વિડિયો કેપ્ચર કરતા જોવા મળ્યા હતા.ખેલાડીઓએ પણ હાથ હલાવી ચાહકોને શુભેચ્છા પાઠવી હતી.ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ તેમજ ન્યૂઝીલેન્ડના જાણીતા ક્રિકેટરોને જોવા માટે યુવાનોથી લઈને બાળકો સુધીનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો.



