નર્મદા: રાજપીપળાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના 37 શંકાસ્પદ ચામડા અને નખ! વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું | Narmada News 37 suspected tiger skins and nails found in Rajpipala Forest Department

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલા ઐતિહાસિક ધરમેશ્વર મહાદેવ મંદિરના એક જૂના મકાનમાંથી વન્ય જીવોના અંગોનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલી જાણ બાદ વન વિભાગે દરોડો પાડતા અંદાજે 35 વર્ષથી વધુ જૂના વાઘના ચામડા અને નખ મળી આવ્યા છે.

શું છે સમગ્ર ઘટના?
રાજપીપલા નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી મધ્યપ્રદેશના રહીશ એવા મહારાજ રહેતા હતા. ગત 7 જુલાઈ, 2025 ના રોજ આ મહારાજ દેવલોક પામ્યા હતા. તેમના નિધન બાદ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જ્યારે મહારાજ જે રૂમમાં રહેતા હતા તે જૂના મકાનની સફાઈ અને તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી વન્ય જીવોના ચામડા અને નખ મળી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ તાત્કાલિક આ અંગે વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગની તપાસમાં મોટો ખુલાસો
રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીગ્નેશ સોની અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન જે આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા હતા:
-વાઘના આખા ચામડા: 37 નંગ
-ચામડાના ટુકડા: 04 નંગ
-વાઘના નખ: 133 નંગ
35 વર્ષ જૂનો જથ્થો હોવાની શક્યતા, FSL ની મદદ લેવાઈ
RFO જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ ચામડા અને નખ 35 વર્ષથી પણ વધુ જૂના જણાય છે. જોકે, આ જથ્થો અસલી વાઘનો છે કે અન્ય કોઈ પ્રાણીનો, તે અત્યારે કહી શકાય તેમ નથી. વન વિભાગને આ જથ્થો શંકાસ્પદ જણાતા તમામ નમૂનાઓ તપાસ માટે FSL (Forensic Science Laboratory) માં મોકલી આપવામાં આવ્યા છે.
વન વિભાગે ગુનો નોંધી તપાસ તેજ કરી
વન વિભાગે હાલમાં ‘વન્યજીવ સંરક્ષણ અધિનિયમ’ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહારાજ મૂળ મધ્યપ્રદેશના હતા, ત્યારે આટલો મોટો જથ્થો મંદિર સુધી કેવી રીતે પહોંચ્યો? શું આમાં કોઈ મોટી શિકારી ગેંગ સામેલ હતી? તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. મહારાજના નિધન બાદ આ રહસ્યમય જથ્થો મળતા પંથકમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.



