અમદાવાદ: નારાયણ ગુરુ કોલેજનો મોટો છબરડો, જે વિષય ભણાવ્યો જ નથી તેની પરીક્ષા લેવાશે | Out of subject paper asked to Students exam Narayan Guru College in Ahmedabad

![]()
Ahmedabad News : શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના અમદાવાદની નારાયણ ગુરુ કોલેજમાં સામે આવી છે. કોલેજ સત્તાધીશોની બેદરકારીને કારણે BBAના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. આખું સેમેસ્ટર જે વિષય ભણાવ્યો તે પરીક્ષાના ટાઈમટેબલમાં ગાયબ છે અને જે ક્યારેય નથી ભણાવ્યો તેની પરીક્ષા આપવાની નોબત આવી છે.
શું છે સમગ્ર મામલો?
નારાયણ ગુરુ કોલેજમાં BBA માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આખા સેમેસ્ટર દરમિયાન ‘રાઇટિંગ સ્કિલ’ વિષય ભણાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું સત્તાવાર ટાઈમટેબલ જાહેર કર્યું ત્યારે વિદ્યાર્થીઓના હોશ ઉડી ગયા હતા. ટાઈમટેબલમાં ‘રાઇટિંગ સ્કિલ’ ને બદલે ‘બેઝિક આઇટી ટુલ્સ’ (Basic IT Tools) વિષયની પરીક્ષા હોવાનું સામે આવ્યું હતું.
22 તારીખથી પરીક્ષા, કોલેજની બેદરકારીમાં વિદ્યાર્થીઓનો મરો
આગામી 22 તારીખથી યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થવાની સંભાવના છે. હવે સ્થિતિ એવી છે કે વિદ્યાર્થીઓ પાસે ગણતરીના દિવસો બાકી છે અને જે વિષય પરીક્ષામાં આવવાનો છે તેનું તેમને પ્રાથમિક જ્ઞાન પણ નથી. કોલેજની આ બેદરકારી સામે આવતા જ વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા કોલેજ કેમ્પસમાં ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
NSUI નું આંદોલન અને સત્તાધીશોનો બચાવ
વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલ NSUI એ આક્ષેપ કર્યો છે કે કોલેજના પાપે વિદ્યાર્થીઓના પરિણામ પર માઠી અસર પડશે. જો વિદ્યાર્થીઓને અન્યાય થશે તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપી છે. બીજી તરફ, કોલેજના પ્રિન્સિપાલે આ છબરડા માટે ટેકનિકલ કારણો આગળ ધર્યા છે.
કોઈ વિદ્યાર્થીને તકલીફ પડવા નહીં દઈએ: પ્રિન્સિપાલ
“અમે જે વિષય નક્કી કર્યો હતો તેના બદલે યુનિવર્સિટીએ IT Tools સબ્જેક્ટ આપ્યો છે. અમે આ બાબતે યુનિવર્સિટીને પત્ર પણ લખ્યો હતો. હવે છેલ્લા 15 દિવસથી અમે કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ આપી રહ્યા છીએ. કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષામાં તકલીફ પડવા દેવામાં આવશે નહીં.”
આ પણ વાંચો: GPSC Exam: ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલીમ પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે લેવાશે
15 દિવસમાં આખો વિષય કેમ તૈયાર થાય?: વિદ્યાર્થીઓનો રોષ
કોલેજ ભલે બચાવ કરતી હોય, પરંતુ વિદ્યાર્થીઓનો સવાલ એ છે કે જે વિષય 6 મહિનામાં ભણવાનો હોય તે માત્ર 15 દિવસમાં કેવી રીતે તૈયાર થઈ શકે? કોલેજની આ આંતરિક ખેંચતાણ અને બેદરકારીમાં વિદ્યાર્થીઓનું પરિણામ બગડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.



