ભારત-ન્યૂઝીલેન્ડ મેચને પગલે હાલોલ-વડોદરા હાઈવે પર ડાયવર્ઝન જાહેર, જાણો કયા રૂટનો ઉપયોગ કરવો? | Vadodara Police Issues Traffic Advisory and Route Diversions for Kotambi Stadium Match

India vs New Zealand ODI in Vadodara: કોટંબી સ્થિત બી.સી.એ. સ્ટેડિયમમાં આગામી તા.11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમાવાની છે. આ મેચ દરમિયાન મોટી સંખ્યામાં ક્રિકેટચાહકો ઊમટી પડવાની શક્યતા હોવાથી સુરક્ષા અને સુવિધાઓની વ્યવસ્થાના ભાગરૂપે આજે બી.સી.એ. સ્ટેડિયમ ખાતે આઈ.જી., જિલ્લા પોલીસ વડા તેમજ બી.સી.સી.આઈ. અને બી.સી.એ.ના હોદ્દેદારો અને અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સમીક્ષા બેઠક દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વ્યવસ્થા, પ્લેયર સેફ્ટી, એન્ટ્રી – એક્ઝિટ પોઈન્ટ્સ તેમજ પ્રેક્ષકોની સુવિધાઓ સહિતની તૈયારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠક બાદ બી.સી.એ. પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, વર્ષો પછી વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેન્સ ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે. અગાઉ યોજાયેલી ડબલ્યુ.પી.એલ.ની સફળ યજમાની બાદ ફરી એક વખત મોટી ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત–ન્યૂઝીલેન્ડ મેચ જોવા માટે દેશ-વિદેશથી ક્રિકેટપ્રેમીઓ આવી રહ્યા છે. ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માને રમતા નિહાળવા ક્રિકેટચાહકોમાં ભારે ઉત્સાહ છે.

વડોદરા રેન્જના પોલીસ મહા નિરીક્ષક (આઈ.જી.) સંદીપ સિંઘે જણાવ્યું હતું કે, લગભગ 15 વર્ષ બાદ વડોદરામાં મેન્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન થતાં સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની પૂરી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખી પ્રેક્ષકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને વિસ્તૃત તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. વધુમાં ઉમેર્યું હતું કે, રસ્તા પર અનઅધિકૃત રીતે વાહનો પાર્ક ન થાય અને હાઈર્વે ક્લિયર રહે તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવશે.
હાલોલ – વડોદરા હાઈવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિ ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી જણાવાયું છે કે, તા.11 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી મેચ પુરી થતા સુધી રૂટ – એ. માં હાલોલથી વડોદરા તરફ જતા તમામ વાહનોને ડાયવર્ઝન અપાયું છે. વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ તરીકે જરોદ રેફરલ ચોકડીથી રાહકુઈ રસુલાબાદ–રવાલથી જમણી તરફ થઈ જેસંગપુરા પાટિયા – સિકંદરપુરા પાટિયાથી આજવા ચોકડી તરફના રૂટ-બી. નો ઉપયોગ કરવાનો રહેશે.
ટિકિટોના પ્રશ્ને પ્રમુખની કેફિયત
વનડે મેચની ટિકિટ ન મળતા અનેક ક્રિકેટચાહકો નિરાશ થયા છે. આ બાબતે પ્રમુખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સ્ટેડિયમની ક્ષમતા અંદાજે 30 હજાર દર્શકોની છે અને વડોદરાવાસીઓમાં ક્રિકેટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. વડોદરાની વસ્તી અંદાજે 30 લાખથી વધુ છે, ફિઝિકલ વિતરણમાં ઘણા ઈશ્યૂ થઈ શકે છે. ટિકિટ વિતરણ માટે બી.સી.સી.આઈ. દ્વારા ઉપયોગમાં લેવાતા અધિકૃત પ્લેટફોર્મ મારફતે સંપૂર્ણ પારદર્શક રીતે ટિકિટ વિતરણ કરવામાં આવ્યું છે.


