ટ્રમ્પ યુદ્ધના મૂડમાં! અમેરિકા માટે ‘ડ્રીમ મિલિટ્રી’ બનાવવા સૈન્ય બજેટમાં ધરખમ વધારાની જાહેરાત | Trump Announces a increase in the military budget to create a ‘dream military’

![]()
Donald Trump US Military Budget : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના સંરક્ષણ બજેટમાં ઐતિહાસિક વધારો કરવાની જાહેરાત કરી છે, જે મુજબ તેને વધારીને $1.5 ટ્રિલિયન કરવામાં આવશે. આ નિર્ણયને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવતા, પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે આ પગલું દેશને કોઈપણ વિદેશી પડકારનો સામનો કરવા માટે સક્ષમ બનાવશે. આ બજેટ ભારતના કુલ જીડીપીના લગભગ 36% જેટલું છે.
‘ડ્રીમ મિલિટ્રી’ બનાવવાનો દાવો
પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે આ વધારાના સંરક્ષણ બજેટથી અમેરિકાને તે “ડ્રીમ મિલિટ્રી” બનાવવામાં મદદ મળશે, જેની લાંબા સમયથી જરૂરિયાત અનુભવાઈ રહી હતી. તેમણે દાવો કર્યો કે આ બજેટ અમેરિકી સેનાને કોઈપણ વિદેશી પડકારનો સામનો કરવામાં સક્ષમ બનાવશે અને દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરશે. પોતાના નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય તેમણે સેનેટ, કોંગ્રેસ, મંત્રાલયો અને અન્ય રાજકીય પ્રતિનિધિઓ સાથે ઊંડી અને લાંબી ચર્ચાઓ પછી લીધો છે.
ટેરિફ નીતિને ગણાવી વધારાનું કારણ
આ બજેટ વધારા પાછળના મુખ્ય કારણ તરીકે તેમણે પોતાની ટેરિફ નીતિને ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકી સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી દેશને ભારે આવક થઈ છે, જેનાથી હવે અમેરિકા માત્ર પોતાનું દેવું જ ઓછું નથી કરી શકતું, પરંતુ એક મજબૂત સૈન્ય તાકાત પણ ઉભી કરી શકે છે.
બાઇડન પ્રશાસનની નીતિઓ પર હુમલો
ટ્રમ્પે પૂર્વ પ્રમુખ જો બાઇડનના પ્રશાસનની આર્થિક નીતિઓ પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે પાછલી સરકારના સમયમાં આવી સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. તેમણે ટેરિફથી થયેલી કમાણીને અમેરિકાની આર્થિક મજબૂતીનો આધાર ગણાવ્યો.
ભારતની જીડીપી સાથે સરખામણી
IMFના એપ્રિલ 2025ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, ભારતની જીડીપી 4.18 ટ્રિલિયન યુએસ ડોલર છે. આ આધારે, જો અમેરિકાનું સંરક્ષણ બજેટ 1.5 ટ્રિલિયન યુએસ ડોલર થાય છે, તો તે ભારતની જીડીપીના 35.89% બરાબર હશે. આ આંકડો અમેરિકા તેની સૈન્ય ક્ષમતા પર કેટલો મોટો ખર્ચ કરી રહ્યું છે તે દર્શાવે છે. આ પહેલા ડિસેમ્બરમાં, અમેરિકી સેનેટે 2026 માટે 901 અબજ ડોલરનું સંરક્ષણ બજેટ પસાર કર્યું હતું. ટ્રમ્પનો આ નવો નિર્ણય અમેરિકાની સંરક્ષણ નીતિમાં એક મહત્વપૂર્ણ અને આક્રમક ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.



