બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે વધુ એક વિદ્યાર્થી નેતાને સરાજાહેર ગોળીઓથી વીંધી નાખ્યો | bangladesh bnp youth leader azizur rahman musabbir killed in dhaka

Azizur Rahman Musabbir: બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાત્રે રાજધાની ઢાકાના વ્યસ્ત એવા કારવાં બજાર વિસ્તારમાં અજ્ઞાત હુમલાખોરોએ પૂર્વ વિદ્યાર્થી નેતા અઝીઝુર રહેમાન મુસબ્બીરની ગોળી મારી હત્યા કરી દીધી છે.
ભીડભાડ વાળા વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ
બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(BNP)ની સ્વયંસેવી વિંગ ‘ઢાકા મેટ્રોપોલિટન નોર્થ સ્વેચ્છાસેવક દળ’ના પૂર્વ મહાસચિવ અઝીઝુર રહેમાન મુસબ્બીરની મંગળવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે આશરે 8:30 વાગ્યે ઢાકાના વ્યસ્ત કારવાં બજાર વિસ્તારમાં આવેલી સુપર સ્ટાર હોટલ પાસે બની હતી. હુમલાખોરોએ અત્યંત નજીકથી મુસબ્બીરના પેટમાં ગોળી મારી હતી, જેના કારણે ગંભીર ઈજાઓને લીધે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંધાધૂંધ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સેનાએ મોરચો સંભાળ્યો
આ હત્યાકાંડ બાદ ઢાકામાં વિરોધ પ્રદર્શનની જ્વાળા ભભૂકી ઉઠી છે. ઉશ્કેરાયેલા લોકોએ કારવાં બજાર વિસ્તારમાં જામ કરી દીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ રાત્રે 10:30 વાગ્યે બાંગ્લાદેશ આર્મીના જવાનોએ સ્થળ પર પહોંચી રસ્તો ખાલી કરાવ્યો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.
ચૂંટણી પર જોખમ?
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને હાલ દેશમાં આચારસંહિતા લાગુ છે. આમ છતાં, સતત વધી રહેલી હિંસક ઘટનાઓએ લોકશાહી પ્રક્રિયા સામે સવાલો ઉભા કર્યા છે.
થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીના મોત બાદ દેશવ્યાપી દેખાવો થયા હતા, જેમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. અગાઉ એક જુબો દળના નેતાની પણ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
હુમલાખોરોનું અંધાધૂંધ ફાયરિંગ
ઢાકા મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ ભાગતા પહેલા હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરીને વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. પોલીસે હુમલાખોરોને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.



