गुजरात

ખેડા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા | 2 people arrested with banned Chinese rope in Kheda district



– મકરસંક્રાંતિ પૂર્વે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ

– પોલીસે બે અલગ અલગ સ્થળેથી કુલ કિં. રૂ. 37,800નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો 

નડિયાદ : નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિના તહેવારને લઈને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે. આ દરમિયાન નડિયાદ રૂરલ અને ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવેલી અલગ-અલગ કાર્યવાહીમાં બે શખ્સોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સલુણ ગામના બળીયાદેવ ભાગોળ હોળી ચકલા વિસ્તારમાં એલ.સી.બી. પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં અંબુભાઈ શનાભાઈ તળપદા નામના ૫૩ વર્ષીય શખ્સને તેના ઘર પાસે ત્રણ પ્લાસ્ટિકની કોથળીઓ સાથે રોકવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ કોથળીઓમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ ૭૨ રીલ મળી આવ્યા હતા. પોલીસે અંદાજે ૩૬,૦૦૦ રૂપિયાની કિંમતનો આ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

અન્ય એક કિસ્સામાં, નડિયાદ ટાઉન પોલીસે રેલ્વે સ્ટેશન રોડ પર પેટ્રોલ પંપની સામે આવેલ રેલ્વે ગોદી પાસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે ધર્મેશભાઈ નરેશભાઈ પરમાર નામના ૨૨ વર્ષીય યુવકને અટકાવી તેની પાસે રહેલી પ્લાસ્ટિકની કોથળીની તલાશી લીધી હતી. તેમાંથી પોલીસને ચાઇનીઝ દોરીના ૬ રીલ મળી આવ્યા હતા, જેની કિંમત ૧,૮૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. આ બંને મામલે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.



Source link

Related Articles

Back to top button