गुजरात

બોરસદની આણંદ ચોકડીએથી 10 થી વધુ ખાણીપીણીની લારીઓના સેમ્પલ લેવાયા | Samples of more than 10 food trucks were taken from Anand Chowkdi Borsad



– આણંદ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી 

– બિન આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ-વસ્તુનો નાશ કરવામાં આવ્યો : લારીધારકોના લાયસન્સ પણ ચેક કરાયા 

આણંદ : બોરસદ નગરપાલિકામાં બુધવારે સવારે એકાએક આણંદના ફૂડ વિભાગના અધિકારીઓએ ઓચિંતી તપાસ શરૂ કરી હતી. જેમાં પાલિકાના સેનેટરી વિભાગને સાથે રાખીને આણંદ ચોકડીએ ચાલતી ખાણીપીણીની લારીઓ ઉપર દરોડા પાડતા લારીઓના વેપારીમાં દોડધામ મચી જવા પામી હતી. તેમજ બિન આરોગ્યપ્રદ ચીજવસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો. 

બોરસદ નગરપાલિકામાં છેલ્લા છ મહિનાથી શહેરના વિવિધ વિસ્તારમાં બિન આરોગ્યપ્રદ ખોરાક ખુલ્લેઆમ ગ્રાહકોને પધરાવવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. શહેરના આણંદ ચોકડી વિસ્તારમાં ૧૦થી વધુ લારીવાળાઓએ વિવિધ ખાદ્ય પદાર્થની લારીઓ ઊભી કરીને સ્વચ્છતા તેમજ હાઇજેનિક મટિરિયલ વાપરવાના બદલે બિન આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરીને ધંધો ચલાવવામાં આવતો હતો. જે સંદર્ભે આણંદ વિભાગને જાણ થતાં બુધવારે બપોરે અચાનક જ ફૂડ વિભાગના અધિકારીઓએ બોરસદ પાલિકાના સેનેટરી વિભાગને સાથે રાખીને આણંદ ચોકડીની ખાણીપીણી લારીઓ ઉપર ઓચિંતા દરોડા પાડયા હતા.

આણંદ ચોકડી વિસ્તારમાં આવેલા શિવ આઈકોન કોમ્પ્લેક્સમાં સાઈનાથ વેફર્સ અને પીચંદ્ર ટાવર પાસે આવેલી ખાણીપીણી બજારમાં શક્તિ સેવ ઉસળ, બોમ્બે પાંવભાજી, 

શ્રીનાથજી વડાપાવ, શક્તિ મગ પુલાવ, મહામાયા કચ્છી દાબેલી, આઝાદ પકોડી, મહાવીર પાણીપુરી અને પુરી શાક બનાવતા લારીઓ વાળાને ત્યાં તપાસ હાથ ધરીને ં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોટાભાગની લારીઓમાં ગંદકી જોવા મળી હતી અને પીવાના પાણી પણ ખૂબ જ બિન આરોગ્યપ્રદ હોવાનું જણાયું હતું. 

ફૂડ વિભાગ દ્વારા પાંવભાજી, પાણીપુરી, વડાપાવમાં વપરાતા બટાકાનો માવો ખૂબ જ બિન આરોગ્યપ્રદ અને રોગચાળો ફેલાવે તેવો હોવાથી અંદાજિત પાંચ કિલોથી વધુ બટાકાના માવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ શ્રીનાથ વડાપાવની લારીમાંથી બિન આરોગ્યપ્રદ ટામેટાનો સોસ મળી આવતો તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. 

ફુડ વિભાગ દ્વારા તમામ લારીઓના લાયસન્સો પણ ચકાસવામાં આવ્યા હતા. 



Source link

Related Articles

Back to top button