સોમવારે સર્જાયેલા કાર અકસ્માતમાં યુવાનનું સારવારમાં મોત નિજપ્યું | A young man died in treatment in a car accident that occurred on Monday

![]()
– આંકલાવના આસોદર-વાસદ રોડ પર
– સાળંગપુરથી પરત ફરતી વેળાએ મિત્રોને અકસ્માત નડયો : પોલીસે ફરિયાદ નોંધી
આણંદ : આંકલાવ તાલુકાના આસોદર-વાસદ રોડ ઉપર રેલવે બ્રિજ નજીક ગત સોમવારના રોજ એક કાર ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારી આગળ જઈ રહેલી ટ્રકની પાછળના ભાગે અથડાવતા ગાડીના ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ ખાતેની એક ઓર્ગેનિક કંપનીમાં નોકરી કરતા પિયુષભાઈ ઈશ્વરભાઈ કપ્તાનના મામાનો દીકરો રાહુલ રાજુભાઈ ફોટોગ્રાફીનું કામ કરે છે અને તેની સાથે તેની મિત્ર રુચીબેન ઉર્ફે રચનાબેન દિનેશભાઈ ભટ્ટ (રહે.વાઘોડિયા) મોડલિંગનું કામ કરે છે. ગત તારીખ ૪ જાન્યુઆરીના રોજ રાત્રિના સુમારે પિયુષભાઈ અને તેમનો મિત્ર સૌરવસિંહ અક્ષયસિંહ પરમાર અને રાહુલ નરેન્દ્રભાઈ લાલવાણી અને રૂચીબેન ભટ્ટ ચારેય રાહુલભાઈની કાર લઈને વડોદરાથી સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા.
બીજા દિવસે સોમવારે તેઓ દર્શન કરી સાળંગપુરથી ઘરે પરત આવવા નીકળ્યા હતા. દરમિયાન સૌરવસિંહ પરમાર ગાડી ચલાવતા હતા. આસોદર-વાસદ રોડ ઉપર આવેલા રેલવે બ્રિજ નજીક સૌરવ સિંહે ગાડી પુરઝડપે હંકારતા આગળ જઈ રહેલ એક ટ્રકની પાછળ ધડાકા ભૈર અથડાઈ હતી અને બાદમાં ગાડી રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા તમામ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી. જેમાં ગાડીમાં સવાર ચારેય જણને તુરંત જ ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે સૌરવસિંહ પરમારનું સોમવારે મોત નિપજ્યું હતું.



