ડભાણ ગામની સીમમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન હડપી લીધી | Land was grabbed by creating a bogus power of attorney on the outskirts of Dabhan village

![]()
– જમીનના મહિલા માલિક વર્ષ 1981 માં મૃત્યુ પામ્યા હતા
– 2014 માં બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને જમીનનો સોદો પાડયો, સબ રજિસ્ટ્રારે ચાર સામે ગુનો નોંધાવ્યો
નડિયાદ : નડિયાદ રૂરલ પોલીસ મથકની હદમાં આવતા ડભાણ ગામની સીમમાં ખેતીની જમીન પચાવી પાડવા માટે એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ કેસમાં વર્ષો પૂર્વે અવસાન પામેલા એક મહિલાના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લેવામાં આવ્યો હતો. આ મામલે જિલ્લા જમીન તકેદારી સમિતિની તપાસ બાદ નડિયાદના સબ રજિસ્ટ્રારે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગત મુજબ, ડભાણ ગામની સીમમાં સર્વે નંબર ૧૬૨ પૈકીની ખેતીની જમીનના માલિક કાશીબેન ઉર્ફે કમુબેન પાંચાભાઈનું અવસાન તારીખ ૦૩ ડિસેમ્બર ૧૯૮૧ના રોજ થયું હતું. આમ છતાં, આથક લાભ મેળવવાના બદ ઈરાદા સાથે આરોપીઓએ મેળાપીપણું રચી તારીખ ૧૦ એપ્રિલ ૨૦૧૪ના રોજ મૃતક કાશીબેનના નામે એક બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી હતી. આ નકલી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરી તારીખ ૦૯ જૂન ૨૦૧૪ના રોજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોઈ પણ પ્રકારનો અવેજ ચૂકવ્યા વગર જમીનનો વેચાણ દસ્તાવેજ નોંધણી કરાવી દેવામાં આવ્યો હતો. જિલ્લા જમીન તકેદારી સમિતિમાં આ અંગેની અરજી થતા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં દસ્તાવેજો બોગસ હોવાનું સાબિત થયું હતું. જેના આધારે સબ રજિસ્ટ્રારે નડિયાદ રૂરલ પોલીસ મથકે બાબુભાઈ શનાભાઈ પરમાર, પરેશકુમાર ભાનુપ્રસાદ પટેલ, વસંતભાઈ ઐતાભાઈ ખ્રિસ્તી અને માસુમભાઈ કાળુભાઈ મહીડા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસ આ મામલે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.



