વડોદરામાં ‘રક્ષિત કાંડ’ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું: સમામાં બેફામ કારચાલકે 3 ને ઉડાવ્યા | Vadodara Hit and Run Speeding Car Rams Into Three in Sama Area

![]()
Accident in Vadodara: વડોદરાના કારીબાગ વિસ્તારમાં આઠ જણાને અડફેટમાં લઈ એકનું મોત નીપજાવવાના ચકચારી રક્ષિત કાંડ જેવો બનાવ બનતા રહી ગયો હતો. કારની અડફેટમાં આવેલા ત્રણ જણાને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે મંગળવારે બનેલા બનાવ અંગે સ્થાનિક રહીશોનું કહેવું છે કે, સમા અભિલાષા તરફથી 110 થી 120 જેટલી સ્પીડમાં ધસી આવેલા એક કાર ચાલકે શાકભાજીની લારી વાળાને અડફેટમાં લેતા રસ્તા પર શાકભાજી વેરવિખેર થયું હતું અને લારી વાળાને ઈજા થઈ હતી. ત્યારબાદ કાર ચાલકે એક બાઈક સવાર તેમજ એક સ્કૂટર સવાર મહિલાને પણ ફંગોળી દીધા હતા અને રાત્રી બજાર તરફ ભાગી છૂટ્યો હતો.
આ બનાવમાં બીજા બેથી ત્રણ જણા પણ બચી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્તો ને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ને ગંભીર ઈજા નહીં હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત બનાવને પગલે સમા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ ના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી છે.



